જૂનાગઢઃ શહેરના મહેમાન બનેલા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે આજે 8 જેટલા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જે પૈકીનો એક કાર્યક્રમ જૂનાગઢના પ્રાગ ઐતિહાસિક અસ્તિત્વ સાથે જોડાયેલા ઉપરકોટના કિલ્લાના લોકાર્પણનો હતો. આ કિલ્લાનું 3 વર્ષથી રિનોવેશન ચાલી રહ્યું હતું. જે પૂર્ણ થતા પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે આજથી આ કિલ્લો ખુલ્લો મુકાયો છે.
જૂનાગઢના ઈતિહાસનું પ્રતિકઃ જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર પંથકના ઈતિહાસ સાથે ઉપરકોટ કિલ્લાનું ઐતિહાસિક મહત્વ રહેલું છે. જેમાં આઝાદી સમયે લડાયેલ લડાઈ, આઝાદી અગાઉ થયેલા આક્રમણોનો ઉપરકોટ કિલ્લો સાક્ષી છે. આ કિલ્લો ઐતિહાસિક મહત્વ ઉપરાંત શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવે છે. આ કિલ્લામાં દિવાલ, દરવાજા, ઝરૂખા તેમજ અન્ય સ્થાપત્યો પર અદભુત નકશી કામ જોવા મળે છે. રાજ્ય સરકારે છેલ્લા 3 વર્ષથી આ કિલ્લાનું રિનોવેશન શરૂ કરાવ્યું હતું. આજે રિનોવેશન બાદ ઉપરકોટનો કિલ્લો નવોઢાની જેમ સોળે કલાએ ખીલ્યો છે.
મુખ્ય પ્રધાનના કાર્યક્રમોઃ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે જૂનાગઢ શહેર અને તાલુકામાં આઠ જેટલા કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા. પ્રથમ બગડું ખાતે સહકારી બેંકના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ ગિરનાર પર્વત પર રોપ વે દ્વારા માં અંબાજીના દર્શને પહોંચ્યા હતા.જૂનાગઢ ટાઉનહોલ ખાતે નાગરિકોને સંબોધન કર્યુ હતું. અહીં તેમણે પદાધિકારીઓને ચોમાસા દરમિયાન બગડેલા શહેરના માર્ગ તેમજ દબાણોની કામગીરી દિવાળી સુધી પૂર્ણ કરવાની ટકોર કરી હતી. આ ઉપરાંત મુખ્ય પ્રધાન અનુસૂચિત જાતિ મોરચાની બેઠક, ત્રિમંદીર તેમજ મહિલા આરક્ષણ વિધેયકની ચર્ચામાં પણ ઉપસ્થિત રહેશે.