જૂનાગઢ: વિજયાદશમીના તહેવાર ખૂબ જ ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે. ત્યારે જૂનાગઢની આશાદીપ ગરબી મંડળ દ્વારા પણ અહંકાર રૂપી રાવણના પૂતળાનું દહન કરીને અનોખી રીતે વિજયાદશમીના તહેવાર મનાવ્યો હતો. સનાતન ધર્મની પરંપરા મુજબ આજના દિવસે ભગવાન રામે રાવણના અહંકાર નો નાશ કરીને તેનો વધ કર્યો હતો. રાવણ અપરાજિત છે. તેવા તેના વહેમને આજના દિવસે ભગવાન રામ દ્વારા તોડવામાં આવ્યો હતો. જેની ખુશીમાં અને અહંકાર પર સત્યના વિજયના રૂપમાં વિજયાદશમીના તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જૂનાગઢની આશાદીપ ગરબી મંડળમાં પણ રાવણ દહન કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
દર વર્ષે કરાય છે રાવણ દહન: જૂનાગઢની આશાદીપ ગરબી મંડળ દ્વારા પણ વિજયાદશમીની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે રાવણ દહન કાર્યક્રમ યોજવામાં આવે છે. પાછલા કોરોના સંક્રમણ કાળ દરમિયાન બે વર્ષ સુધી રાવણ દહન કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. જે આ વર્ષે ફરી એક વખત શરૂ થયો છે. જૂનાગઢ શહેરમાં એકમાત્ર જગ્યાએ રાવણ દહન થતું હોવાથી પણ જુનાગઢ વાસીઓ કાર્યક્રમને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળતા હોય છે. દશેરાના દિવસે અહંકાર રૂપી રાક્ષસનો નાશ લોકો નજર સમક્ષ નિહાળીને સત્ય ક્યારેય પરાજિત થતું નથી તેવો અહેસાસ પણ કરે છે.
નકારાત્મકતાનું દહન એટલે વિજયાદશમી: વિજયાદશમીના તહેવારને નકારાત્મકતાને દહન સાથે પણ ઓળખવામાં આવે છે આજના દિવસે પ્રત્યેક વ્યક્તિમાં રહેલા કામ ક્રોધ મોહ લાલચ ઉદ્ધતાઈ ઈર્ષા સ્વાર્થ અન્યાય અહંકાર અને અમાનવીતા જેવા 10 ગુણોનું દહન કરવાની પણ વિશેષ પરંપરા વિજયા દશમીના દિવસે જોવા મળે છે ત્યારે આ તમામ દુર્ગુણોના પ્રતીક એવા દશાનન રાવણનું દહન કરીને આજે વિજયાદશમીની ઉજવણી જૂનાગઢમાં કરવામાં આવી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને રાવણ દહન કાર્યક્રમને માણ્યો હતો.