જૂનાગઢ : કેશોદ શહેરના રણછોડ અને ગોપાલ નગરમાં આજે વરસાદી પાણી ઘરોમાં પ્રવેશ કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદને કારણે વરસાદનું કેટલું પાણી ગટર મારફતે આ વિસ્તારમાં પહોંચ્યું હતું. જેને કારણે રણછોડ અને ગોપાલ નગરના રહેણાંક મકાનોમાં બે ફૂટ જેટલું વરસાદી પાણી જોવા મળતુ હતુ. ઘરમાં રહેલો સામાન અને કેટલાક લોકોના 12 મહિનાના અનાજ પણ વરસાદી પાણીમાં પલળી જતા લોકોમાં ભારે રોષ જોવા મળે છે. તો તંત્ર આગામી દિવસોમાં આ સમસ્યાનો નિરાકરણ થશે તેવો ભરોસો અપાયો છે.
રણછોડ અને ગોપાલ નગરમાં વરસાદી પાણી આવવાની સમસ્યાનો સ્વીકાર છે. લોકોની સમસ્યામાં કઈ રીતે ઘટાડો થાય તેને લઈને નગરપાલિકાનું તંત્ર કામ કરી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ન હતી, પરંતુ આ વર્ષે ફરી એક વખત સામે આવી છે, ત્યારે ચોમાસુ પૂરું થયા બાદ વધુ એક ગટર લાઇન નાખવાની લઈને તેમજ વરસાદી પાણીનો અન્ય જગ્યા પર યોગ્ય નિકાલ કરવાની દિશામાં પાલિકા તંત્ર કામ કરશે. - લાભુબેન પીપલીયા (પ્રમુખ, નગરપાલિકા)
પાણીના નિકાલને લઈને સમસ્યાનો સર્જન : છેલ્લા કેટલાક વર્ષોથી રણછોડ અને ગોપાલ નગરમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ નહીં થવાને કારણે આ સમસ્યાનું સર્જન થયું છે. વરૂડી માતાના મંદિર પાસેથી નીકળતી ગટર જે માંગરોળ રોડ પર પૂરી થાય છે, પરંતુ તેના યોગ્ય સફાઈ અને કેટલીક જગ્યા પર ગટરને બાધિત કરવામાં આવી છે. જેને કારણે રણછોડ અને ગોપાલ નગરના રહીશોના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પાણીનો ખૂબ મોટો પ્રવાહ ભૂગર્ભ ગટરમાં નહી સમાતા તેમજ ગટરની યોગ્ય સફાઈ નહીં થતા આ સમસ્યાનું સર્જન થયું છે.
છેલ્લા 5 વર્ષથી આ સમસ્યાનો સામનો રણછોડ અને ગોપાલ નગરના રહેશો કરી રહ્યા છે. ગત બે વર્ષ દરમિયાન વરસાદી પાણી ઘરમાં ભરાવાની સમસ્યા બંધ થયેલી જોવા મળતી હતી. પરંતુ ફરી એક વખત આ વર્ષે પાણી ઘરમાં પ્રવેશ્યું છે. જેને લઈને ઘર સામાન અને અનાજને નુકસાન થયું છે. તાકીદે વહીવટી તંત્રને નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના યોગ્ય નિકાલ કરવાની લઈને કામ કરે તો આ વિસ્તારના રહીશોને છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન શરૂ થતી મુશ્કેલીનો અંત આવી શકે તેમ છે. - નિમિશ ઠાકર (સ્થાનિક)