જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં આજે પણ ત્રણ જગ્યા પર ગિરનારના પથ્થરોમાંથી બનેલી સિંહોની મુખાકૃતિ જોવા મળે છે. 18મી સદીમાં ગિરનારના પથ્થરોમાંથી કોઈ શિલ્પ બની શકે નહીં તેવો વિદેશી અને દેશી શિલ્પકકારોનો અભિપ્રાય આવ્યો હોવા છતાં પણ જૂનાગઢના વજીર બહાબુદ્દીને ગિરનારના પથ્થરોમાંથી સિંહોની મુખાકૃતિ શિલ્પના રૂપમાં અંકિત કરીને અશક્યને શક્ય બનાવ્યું હતું.
જૂનાગઢ શહેરમાં સિંહોની મુખાકૃતિ આજે પણ અડીખમ : જૂનાગઢ શહેરમાં આજે પણ ગિરનારના પથ્થરોમાંથી બનેલી સિંહોની મુખાકૃતિ અડીખમ ઊભેલી જોવા મળે છે. નવાબી શાસનકાળ દરમિયાન જૂનાગઢના વઝીર બહાઉદ્દીન ભાઈએ ગિરનારના પથ્થરોમાંથી સિંહની મુખાકૃતિ શિલ્પોના રૂપમાં કોતરાવવાને લઈને પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગિરનારના પથ્થરો ઇંગ્લેન્ડ અમેરિકા અને ભારતના અન્ય શિલ્પાકકારોને મોકલવામાં આવ્યા હતાં. પરંતુ આ તમામ શિલ્પકારોએ ગિરનારના પથ્થરોમાંથી કોઈ પણ પ્રકારનું શિલ્પ ન બની શકે તેવો અભિપ્રાય આપીને પથ્થરોને પરત મોકલ્યા હતાં. પરંતુ સિંહ પ્રેમી એવા નવાબ અને તેમના વઝીર બહાઉદ્દીન ભાઈએ ગિરનારના પથ્થરોમાંથી સિંહોનું શિલ્પ તૈયાર કરવાની જાણે કે નેમ વ્યક્ત કરી હોય તે પ્રકારે સફળતા મેળવી હતી. વજીર બહાઉદ્દીન ભાઈની આ સફળતા આજે એક સદી કરતા પણ વધુ સમયથી જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં અડીખમ જોવા મળે છે.
1893 માં થયું સંશોધન : વર્ષ 1893માં ગિરનારના પથ્થરો પર એસ ડબલ્યુ ઈવાન્શ દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું. તેમના સંશોધન દરમિયાન ગિરનારનો પથ્થર લાવામાંથી બનેલો હોવાની સાથે તે ડેલેસાઇટ અને બેસાઈડ નામના પથ્થરોનો ગુણધર્મ ધરાવે છે. આવા પથ્થરો ખૂબ જ બટકણા હોવાને કારણે તેમાંથી કોઈ પણ પ્રકારનું શિલ્પ કે પ્રતિમાઓ બની શકે નહીં તેવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો. તેમ છતાં ગિરનારના પથ્થરોમાંથી સિંહોનું શિલ્પ બનાવવા માટે મક્કમતાથી આગળ વધેલા જૂનાગઢના વજીરને સફળતા મળી હતી.
રાજકોટની હુન્નર શાળાને મળી સફળતા : ઇંગ્લેન્ડ અમેરિકા સહિત મોટાભાગના દેશોના ખ્યાતનામ શિલ્પકારોએ ગિરનારના પથ્થરોમાંથી સિંહોનું શિલ્પ તૈયાર કરવાને લઈને આનાકાની કરી હતી. ત્યારે રાજકોટની હુન્નર શાળાને વઝીર બહાઉદ્દીન ભાઈ દ્વારા આ પથ્થરોમાંથી સિંહોના શિલ્પોને કોતરવાનું કામ સોંપવામાં આવ્યું. હુન્નર શાળાને સફળતા મળી અને ગિરનારના આ કારમિન્ટ અને બટકણા પથ્થરોમાંથી ચાર સિંહના શિલ્પ તૈયાર કરવામાં આવ્યાં. ત્યારબાદ જરૂરિયાત મુજબ અન્ય સિંહ પણ તૈયાર કરાયા તૈયાર થયેલાં.
એકમાત્ર અને અંતિમ શિલ્પ આ સિંહ શિલ્પો જૂનાગઢના રેલવે સ્ટેશન, વેલીગ્ડન ડેમ, સરદારબાગ, વેરાવળ રેલવે સ્ટેશન ખાતે વર્ષ 1888માં અને ગળું નજીક આવેલા બાર્ટન બ્રિજ પર વર્ષ 1880માં સ્થાપિત કરવામાં આવ્યાં હતાં. 1888 બાદ ગિરનારના પથ્થરોમાંથી એક પણ શિલ્પ બનાવવામાં આવ્યું નથી. સિહોના જે શિલ્પ જે તે સમયે બનાવવામાં આવ્યાં તે એકમાત્ર અને અંતિમ શિલ્પ તરીકેનું પણ બહુમાન ધરાવે છે.