જૂનાગઢ : મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં થતા જાંબુને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. જેને કારણે પાલઘરનું આ જાંબુ વિશેષ ઓળખ અને ગુણવત્તા સાથે વિશ્વની બજારમાં એક ફળ તરીકે પ્રસ્થાપિત થશે. કોઈ પણ કૃષિ પેદાશો ફળ ફૂલ કે અન્ય જણસોને જીઆઇ ટેગ મળતા જ તેની ઓળખમાં ઉતરોતર વધારો થાય છે અને જે કૃષિપેદાશ જે તે વિસ્તાર પૂરતી મર્યાદિત કે ઓળખાતી હોય છે તે વિશ્વ ફલક પર ચમકે છે અને સમગ્ર વિશ્વના બજારોમાં તેની બોલબાલા જોવા મળે છે.
વિશ્વનું બજાર આવકારે છે : અગાઉ ગીરની કેસરને પણ જીઆઇ ટેગ પ્રાપ્ત થયો છે પરંતુ સરકાર દ્વારા કાયદાકીય અને તાંત્રિક પ્રક્રિયા નહીં થવાને કારણે આજે ગીરની કેસર કેરી જીઆઇ ટેગ મેળવેલ હોવા છતાં પણ વૈશ્વિક બજારમાં પોતાનું નામ પ્રસ્થાપિત કરવામા પાછળ છે. કોઈપણ કૃષિ પેદાશોને જીઆઈ ટેગ મળ્યા બાદ તે કૃષિ જણસો વિશેષ યોગ્યતા અને ઓળખવાળી સાબિત થાય છે જેને વિશ્વનું બજાર પણ આવકારે છે.
જીઆઈ ટેગ મેળવવાની પદ્ધતિ : કોઈ પણ ખેડૂત તેમની કૃષિ પેદાશો ફળ ફૂલ કે અન્ય ઉપજને જીઆઈ ટેગ મેળવવા માગતા હોય તો તેમણે જેતે કૃષિ પેદાશોની વિશેષ ઓળખ તેની ગુણવત્તા અને જેતે પેદાશોના ગુણધર્મના તમામ પ્રકારના સાંયોગિક પુરાવાઓ એકત્ર કરીને મદ્રાસમાં આવેલ જીઆઈ ટેગની ઓફિસે વિધિવત રીતે આવેદન આપવાનું હોય છે. ત્યાર બાદ કોઈ પણ કૃષિ પેદાશને જીઆઈ ટેગ આપવો કે નહીં તે કમિટીના સભ્યો જે તે કૃષિ પેદાશોની ગુણવત્તા ગુણધર્મ અને તેની વિશેષ ઓળખના પુરાવાઓને ચકાસીને જે તે કૃષિ પેદાશોને જીઆઈ ટેગ આપતી હોય છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ માન : કોઈ પણ કૃષિ પેદાશને જીઆઇ ટેગ મળ્યા બાદ જે તે પેદાશની આંતરરાષ્ટ્રીય ઓળખ પણ ઊભી થાય છે. જીઆઇ ટેગ મેળવેલ કોઈ પણ કૃષિ પેદાશને આંતરરાષ્ટ્રીય બજાર પણ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે આંતરરાષ્ટ્રીય બજારોમાં જ્યાં પાલઘરનું જાંબુ વેચાતું હોય તે જગ્યા પર અન્ય કોઈ પણ દેશ કે પ્રાંતમાંથી આવેલા જાંબુનું વેચાણ થઈ શકતું નથી. જેથી જીઆઈ ટેગ પ્રાપ્ત થયા બાદ જેતે કૃષિ પેદાશને સુરક્ષિત આંતરરાષ્ટ્રીય બજાર મળે છે જેને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ વધુ ઉન્નત બને છે.
જીઆઈ ટેગને કાયદાકીય રક્ષણ : કોઈ પણ કૃષિ પેદાશોને જો જીઆઇ ટેગ મળે તો ટેગ મેળવેલી કોઈ પણ કૃષિ પેદાશોને કાયદાકીય રક્ષણ પણ મળે છે. જે વિસ્તારની કૃષિ પેદાશોને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો હોય તે વિસ્તારમા જે તે કૃષિ પેદાશને લોગો સાથે લીગલ રક્ષણ મળે છે. જેને કારણે બીજા વિસ્તારના લોકો એ જ પ્રકારની કૃષિ પેદાશોને જે તે વિસ્તારમાં ન વેંચી શકે. જેને કારણે ગુણધર્મ અને ગુણવત્તાયુક્ત કૃષિ પેદાશોને સ્થાનિકથી લઈને આંતરરાષ્ટ્રીય બજાર મળી રહે છે. જેને કારણે જે તે વિસ્તારની ટેગ પ્રાપ્ત કરેલી કૃષિ પેદાશો સ્થાનિક અને વિશ્વ બજારમાં એક અલગ ઓળખ ઊભી પણ કરી શકે છે, જે ખેડૂતોના આર્થિક વિકાસ માટે પણ ખૂબ જ મહત્વની બની રહે છે.