જૂનાગઢ : જૂનાગઢના વિકાસ સાથે શાસકો દ્વારા ઊભા કરવામાં આવેલા ભયથી જૂનાગઢના લોકો ભયમુક્ત બની બહાર આવે તે માટે જૂનાગઢ હિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી છે. આ અંતર્ગત મળેલી બેઠકમાં જૂનાગઢના શ્રેષ્ઠીઓ આગામી દિવસોમાં જૂનાગઢના પ્રાણ પ્રશ્નો અને ખાસ કરીને લોકોની સમસ્યાઓને વાચા મળે તે માટે કમિટી દ્વારા કામ કરવાનો સર્વાનુમતે મતે ઠરાવ કર્યો છે.
જૂનાગઢ હિતરક્ષક સમિતિ : જૂનાગઢના વિકાસ કામો અંગે લોકોના પ્રત્યેક પ્રશ્ન સત્તાધીશો સુધી પહોંચે તે માટે આજે જૂનાગઢ હિતરક્ષક સમિતિની રચના કરવામાં આવી છે. જૂનાગઢની ખાનગી હોટલમાં મળેલી બેઠકમાં તબીબો, વકીલો, વેપારી મહામંડળના વેપારી, ઉદ્યોગકારો, સામાજિક સંગઠનના હોદ્દેદારો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ સભ્યોએ આજે સંયુક્તપણે જૂનાગઢના પ્રાણપ્રશ્નો અને ખાસ કરીને પ્રત્યેક વ્યક્તિની સમસ્યા કઈ રીતે સત્તાધીશો સુધી પહોંચે તે માટે મનોમંથન કર્યું હતું.
સીએમ સાથે રુબરુ મુલાકાત : જૂનાગઢ હિતરક્ષક સમિતિની બેઠક બાદ જૂનાગઢના પ્રત્યેક લોકોની સમસ્યા જૂનાગઢ હિત રક્ષક સમિતિ મારફતે સત્તાધિશો સુધી પહોંચે તે માટેનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે તેવું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં 26 જાન્યુઆરીના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢ આવી રહ્યા છે. ત્યારે તેમને પણ રૂબરૂ મળીને જૂનાગઢના પ્રાણ પ્રશ્નોની રજૂઆત જૂનાગઢ હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવશે.
આજની બેઠક બાદ જૂનાગઢના લોકો ખુલીને તેમની સમસ્યાઓ સત્તાધીશો સુધી પહોંચાડે તેવા એક માત્ર હેતુ સાથે મળેલી આ બેઠક આવનારા દિવસોમાં જૂનાગઢના વિકાસને લઈને ખૂબ જ મહત્વની સાબિત થશે. -- અમૃત દેસાઈ (સામાજિક આગેવાન)
રાજકીય પક્ષોનો દૂર રાખ્યા : જૂનાગઢ હિત રક્ષક સમિતિની બેઠકમાં કોઈપણ રાજકીય પક્ષના નેતા કે કાર્યકરને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. આ બેઠકમાં જૂનાગઢ વેપારી મહામંડળની સાથે વેપારી એસોસીએશન જૂનાગઢના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અને તબીબોની સાથે મહાસાગર ટ્રાન્સપોર્ટનું સંચાલન કરતા ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા. જૂનાગઢના નાનામાં નાના પ્રશ્નોને લઈને કમિટી સત્તાધીશોનું ધ્યાન દોરે અને જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં જે સમસ્યા ઉદભવી રહી છે, તેનો હકારાત્મક નિકાલ થાય તે માટે રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
શાસકોના ભય સામે જનતા લાચાર ? જૂનાગઢ વેપારી મહામંડળના મહામંત્રી સંજય પુરોહિતે ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢના સ્થાનિક લોકો સત્તાધિશોના ભયની સામે જાણે કે લાચાર બની ગયા હોય તેવો માહોલ અત્યારે જોવા મળે છે. ત્યારે જૂનાગઢના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે આજની બેઠક ખૂબ જ મહત્વની બની રહેશે.