જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપની સતત બીજી અને ઐતિહાસિક જીત થઈ હતી. જે બાદ આજે મનપાના પદાધિકારીઓની નિમણૂક કરવાની આવી હતી. જેમાં ચૂંટણી પૂર્વે ધીરુભાઈ ગોહિલને જૂનાગઢના મેયર તરીકે પદનામિત કર્યા હતા. જેને આજે વિધિવત જાહેરાત કરી અને જૂનાગઢના મેયર બનાવવામાં આવ્યા છે . બીજી તરફ હિમાંશુ પંડ્યાને નાયબ મેયર તેમજ રાકેશ ધુલેશીયાને સ્ટેન્ડિંગ કમિટીની કમાન સર્વાનુમતે સોંપવાનું નક્કી થયું હતું. શાસક પક્ષના નેતા તરીકે નટુભાઈ પટોલીયા અને મનપામાં દંડક તરીકે ઘરમણ ડાંગરની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
જૂનાગઢમાં ચૂંટણી પહેલા મેયર પદના ઉમેદવાર જાહેર કરી અને ભાજપ ચૂંટણી જંગમાં ઉતર્યું ત્યારે આજે પદાધિકારીઓના નામ લઇને ભાજપના જ કેટલાક વરિષ્ઠ નેતાઓને આ પદ પર બેસાડવામાં આવશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું, પરંતુ પ્રદેશ ભાજપ મોવડી મંડળે મેયરને બાદ કરતા તમામ હોદ્દા પર નવા ઉમેદવારોને પસંદ કરી અને વર્ષોથી કોર્પોરેશનમાં ચૂંટાઇ આવતા કોર્પોરેટરોને કોઈ પદ આપવામાં આવ્યું ન હતું.
પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા ,પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ ,શહેર પ્રમુખ શશીકાંત ભીમાણી ,શાસક પક્ષના નેતા પુનિત શર્મા અને ભાજપના વરિષ્ઠ કોર્પોરેટર સંજય કોરડીયાને કોઈ પદ મળશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ આ પૈકીના કોઈપણને પ્રદેશ ભાજપે પદ આપવાનો મુનાસીબ ના માની અને નવા ચૂંટાયેલા કોર્પોરેટર ઉપર ભરોસો મૂકી અને વિકાસના કામોને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે.