જુનાગઢ : સોરઠ પંથકમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ૨૦૦ ટકા વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ વર્ષે ચોમાસાના પ્રથમ મહિના દરમિયાન જ 100 ટકા વરસાદ પડી ચૂક્યો છે. હજુ ચોમાસાને બે મહિના કરતાં વધુનો સમય બાકી છે. આવી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રનો સોરઠ પંથકમાંં 200 ટકા વરસાદ સુધી પહોંચી જાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આબોહવા પરિવર્તન : પાછલા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનની ખૂબ જ વિપરીત અસર સામે આવી ગઈ છે. જેને પરિણામે પ્રકૃતિમાં ખૂબ મોટા પરિવર્તનો આવ્યા છે. જેને કારણે શિયાળો ઉનાળો અને ચોમાસાની ઋતુ દરમિયાન વધતા કે ઓછા પ્રમાણમાં ઠંડી, ગરમી અને વરસાદ પડી રહ્યો છે. આ ખૂબ ચિંતાનો વિષય છે. જેની તમામ અસર હવે જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે પણ ઠંડી, ગરમી અને ચોમાસા તેમજ પૂરની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આ વર્ષે પાછલા ઘણા વર્ષો બાદ પ્રથમ વખત ચોમાસાના પ્રથમ મહિના દરમિયાન સો ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. આ પણ ગ્લોબલ વોર્મિંગની અસર અને આબોહવા પરિવર્તનને કારણે થયું હોવાનું મનાઈ રહ્યું છે.
ઘણા વર્ષો પછી આ પ્રકારે વિચિત્ર ચોમાસુ સામે આવી રહ્યું છે. એક જ મહિનામાં અનહદ વરસાદ પડ્યો છે. 29 મી જુલાઈ સુધી સતત રાજ્યના વિસ્તારોમાં જોવા મળશે. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં વરસાદનું પ્રમાણ ખૂબ મર્યાદિત થશે. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં ખૂબ વધારે વરસાદ પડી શકે છે.-- મોહનભાઈ દલસાણીયા (દેશી વર્ષાવિજ્ઞાન આગાહીકાર)
વધુ વરસાદનું કારણ : જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના હવામાન વિભાગમાં સહ સંશોધક તરીકે કાર્યરત ધીમંત વઘાસીયાએ ETV BHARAT સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે એક મહિનામાં સો ટકા વરસાદ થઈ ચૂક્યો છે. જે પાછલા પાંચ વર્ષનો સૌથી વધુ વરસાદ માનવામાં આવે છે. જેની પાછળ ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન જેવા પરિબળો કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે.
વરસાદ વધશે : ચોમાસુ સામાન્ય રીતે આગળ વધી રહ્યું છે. જે કેરલથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલું જોવા મળે છે. જેને કારણે વરસાદી સિસ્ટમ સતત વરસાદ લાવી રહી છે. આવી જ પરિસ્થિતિ આગામી બે ત્રણ દિવસ સુધી સતત જોવા મળશે. ત્યારબાદ પરિસ્થિતિ પૂર્વવત બનતા વરસાદનું પ્રમાણ પણ સામાન્ય બની રહેશે. પરંતુ હજી ચોમાસાના બેથી ત્રણ મહિના બાકી છે. આવી પરિસ્થિતિમાં આ વર્ષે ચોમાસા દરમિયાન કુલ વરસાદ ૨૦૦ ટકા સુધી પહોંચે તેવી શક્યતાઓ છે.