જૂનાગઢ: શરદ પૂનમની પૂર્વ સંધ્યાએ જૂનાગઢમાં મનો દિવ્યાંગ બાળકો માટે પાછલા ઘણા વર્ષોથી કામ કરતી આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇનર વીલ ક્લબ દ્વારા આજે વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. અનોખી રીતે ગરબા કરીને શરદ પૂનમની પૂર્વ સંધ્યાએ જાણે કે નવરાત્રી અને રાસોત્સવ ને આહવાન કરતા હોય તે પ્રકાર નો માહોલ રેડક્રોસ હોલમાં મનો દિવ્યાંગ બાળકોએ ઉભો કર્યો હતો. દિવ્યાંગ બાળકો તમામ ધર્મના ધાર્મિક અને સામાજિક તહેવારો ઉજવી શકે તેમાં ભાગ લેતા થાય અને તમામ સંસ્કૃતિને જાણે તે માટેનો આ પ્રયાસ ને મનો દિવ્યાંગ ખેલૈયાઓએ જાણે કે પોતાના ખભા પર ઉપાડી લીધો હોય તે પ્રકારે પ્રત્યેક દિવ્યાંગ બાળક પોતાની મસ્તીમાં ગરબે ઘૂમતું જોવા મળ્યું હતું.
દિવ્યાંગ બાળકો સાથે તબીબ પણ ગરબે ઘુમ્યા: મનો દિવ્યાંગ બાળકોના ગરબામાં ખાસ હાજરી આપવા માટે આવેલા ડોક્ટર સોહમ બુચ અને તેમના ધર્મપત્ની પણ દિવ્યાંગ બાળકો સાથે ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. મનો દિવ્યાંગ બાળકો સાથે તેમનું આ અનુભવ અકલ્પનીય રહ્યો હતો. જે રીતે દિવ્યાંગ બાળકો પોતાની આવડત અને સમજણ સાથે ગરબા કરી રહ્યા હતા. તેવી જ રીતે તેની સાથે તાલ મિલાવીને ડોક્ટર સોહમ બુચે પણ ગરબા કર્યા હતા. સાથે સાથે આ ગરબાને જોવા માટે આવેલા દિવ્યાંગ બાળકોના માતા પિતા વડીલો અને અન્ય શ્રેષ્ઠિઓએ પણ બાળકો સાથે ગરબે ઘૂમીને તેઓ કોઈ પણ સશક્ત વ્યક્તિથી જરા પણ ઉણા ઉતરે તેમ નથી. તેવો અહેસાસ આજે મનો દિવ્યાંગ બાળકો ને થયો હતો.
ડોક્ટર સોહમ બુચે આપ્યો પ્રતિભાવ: જૂનાગઢના ખ્યાતના મનોચિકિત્સક સોહમ બુચે ઇટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે આ મનો દિવ્યાંગ બાળકો સમાજની મુખ્ય ધારામાં સામેલ થવા માટે તાલીમ લઈ રહ્યા છે. આ તમામ બાળકો તમામ ધર્મના સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈને તમામ ધર્મની સંસ્કૃતિને ખૂબ નજીકથી જુએ સંસ્કૃતિનો તેઓ પોતે એક ભાગ બને અને ખૂબ જ નજીકથી તેનો અનુભવ કરે તે માટેનું આ ગરબાનું આયોજન થયું હતું. જેમાં ખૂબ જ ઉત્સાહ સાથે મનો દિવ્યાંગ બાળકોને ગરબે ઘૂમતા જોઈને તેઓ પણ આનંદિત થયા હતા.