છેલ્લાં કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જે પ્રકારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઓ સમગ્ર વિશ્વને બાનમાં લેતી જાય છે, ગ્લોબલ વોર્મિંગને કારણે આજે સમગ્ર વિશ્વનું ઋતુચક્ર ડામાડોળ થઇને કડડભૂસ થવા જઈ રહ્યું છે. જેના માઠા અને કારમાં પરિણામો હવે આપણી સમક્ષ આવી રહ્યા છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો એક જ સમયે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, તો કેટલાક જિલ્લામાં ધીમા પગલે ઠંડીનું આગમન પણ થઈ રહ્યું છે, જેમાં કેટલાક જિલ્લાઓ આજે પણ છે કે જ્યાં હજુ પણ ગરમીનો માહોલ આજે પણ જોવા મળે છે.
વાત જૂનાગઢની કરીએ તો અહીં પણ હજુ શિયાળાની જમાવટ થતી જોવા મળી રહી નથી, આજનું જુનાગઢનું તાપમાન 18 ડિગ્રી જેટલું ઊંચું જોવા મળી રહ્યું છે, જે ગત વર્ષની સરખામણીએ 6.5 ડિગ્રી જેટલું વધુ જોવા મળી રહ્યું છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ડિસેમ્બર મહિનાનુ સરેરાશ તાપમાન 11.5 ડિગ્રી જેટલું પાછલા વર્ષોમાં નોંધવામાં આવ્યું હતું, ત્યારે આ વર્ષે જુનાગઢનું તાપમાન ડિસેમ્બર મહિનામાં 18 ડિગ્રી જેટલું ઊંચું જોવા મળી રહ્યું છે, જેને મોસમ વૈજ્ઞાનિકો ગ્લોબલ વોર્મિંગની અસરો સાથે જોઈ રહ્યા છે.
આગામી દિવસોમાં ગ્લોબલ વોર્મિંગની અસરો વધુ તેજ બનશે તો શિયાળાની ઋતુ પણ ચોમાસાની માફક અનિયંત્રિત બની જશે. જેની વિપરીત અસરો સમગ્ર સૃષ્ટિ પર થઈ શકે છે. જેમ ચોમાસુ લંબાયું જેના પગલે શિયાળાની ઋતુ હજી જોવા મળી રહી નથી, જો શિયાળો લંબાઈ તો ઉનાળાની ઋતુ પણ પાછળ જાય તેવી શક્યતાઓ છે, ઋતુ પરિવર્તનએ આપણા ઋતુચક્રનો નિયમ છે ,પરંતુ માનવજાતે ઋતુ પરિવર્તન અને ઋતુચક્રને એટલી હદે નુકસાન પહોંચાડી દીધું છે, કે આ ઋતુચક્ર અને ઋતુ પરિવર્તન હવે ગ્લોબલ વોર્મિંગમાં પરિવર્તિત થતાં જોવા મળી રહ્યા છે.