જૂનાગઢઃ કોંગ્રેસ શાસિત જૂનાગઢ જિલ્લા પંચાયતનું વર્ષ 2020-21નું અંદાજપત્ર બુધવારે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. અંદાજિત 10 કરોડના પુરાંતવાળા આ બજેટ અંગે સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ સર્વ સહમતિ દાખવી હતી. ત્યારબાદ અંદાજપત્રને મંજૂર કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી અગાઉ આ અંતિમ બજેટ હતું. જે અંગે શાસક અને વિપક્ષના સભ્યો એક મત થયા અને અંદાજપત્રને સર્વાનુમતે પસાર થવામાં કોઈ વિક્ષેપ કે અડચણ જોવા મળી ન હતી. પરંતુ બજેટની કેટલીક નાણાકીય જોગવાઈને લઈને ચડસા-ચડસીનો માહોલ જોવા મળ્યો હતો. આ ચર્ચાને અંતે બજેટ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
ગત પંચાયતની સામાન્ય ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પર કોંગ્રેસનું શાસન સ્થપાયું હતું. ત્યારબાદ પ્રમુખ કારોબારી સમિતિના ચેરમેન સહિત કેટલાક સભ્યોએ કોંગ્રેસનો સાથ છોડી કેસરીયો ધારણ કર્યો હતો. ચૂંટણી અગાઉ આ અંતિમ જનરલ બોર્ડ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ બાદ મંજૂર થશે તેવી શક્યતાઓ હતી. પરંતુ આગામી થોડા મહિનાઓમાં જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજવા જઈ રહી છે, ત્યારે મતદારોને આકર્ષિત કરી શકાય એવા પ્રકારની જોગવાઈઓ હેઠળ આ બજેટને ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ સર્વાનુમતે બહાલી આપી હતી.