જૂનાગઢઃ અત્યંત ચકચારી એવા અહેમદપુર માંડવી ચેક પોસ્ટ કેસમાં ફરાર પીઆઈ એન. કે. ગોસ્વામીના સરકારી મકાનને જૂનાગઢ એસીબીએ સીલ કરી દીધું છે. આ કેસમાં એક એએસઆઈ પણ ફરાર છે. આ બંને ફરાર પોલીસ કર્મીઓને જૂનાગઢ એસીબી શોધી રહી છે.
મામલો શું છે?: ગત 30મી ડિસેમ્બરના રોજ જૂનાગઢ એસીબીએ ઉના નજીક દીવ સરહદે અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પર દરોડો પાડ્યો હતો. જેમાં એક ઈસમ દારુ તેમજ અન્ય પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી કરતાં ઝડપાઈ ગયો હતો. આ ઘટના બાદ ઉનાના પીઆઈ એન. કે. ગોસ્વામી અને એએસઆઈ ફરાર થઈ ગયા હતા. આ ફરાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ જૂનાગઢ એસીબીએ ફરિયાદ દાખલ કરી છે. જે અનુસંધાને ફરાર પીઆઈ એન. કે. ગોસ્વામીના સરકારી મકાનને જૂનાગઢ એસીબીએ સીલ કરી દીધું છે. જૂનાગઢ એસીબીએ આ ફરાર પોલીસ કર્મીઓને શોધવા કવાયત હાથ ધરી છે.
પ્રતિબંધિત ચાયનીઝ દોરી ઝડપાઈઃ ઉત્તરાયણનો તહેવાર સામે છે ત્યારે ચાયનીઝ દોરીને પ્રતિબંધીત કરાઈ છે. આ પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન થાય તેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે જૂનાગઢ જિલ્લાના મેંદરડા શહેરમાં પોલીસે પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા સફીક અને મુસ્તાક નામના 2 ઈસમોની અટકાયત કરી છે. પોલીસે સફિક પાસેથી ચાઈનીઝ દોરીની 08 ફીરકી અને 20 તુક્કલ તેમજ મુસ્તાક પાસેથી ચાઈનીઝ દોરીની 03 ફીરકી અને 30 તુક્કલ કબ્જે કરી છે. આમ મેંદરડા પોલીસે કુલ મળીને 11 ફીરકી અને 50 તુક્કલનો મુદ્દામાલ ઝડપી લીધો છે. મેંદરડા પોલીસે આ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.