જૂનાગઢ : જૂનાગઢ પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે શહેરના લક્ષ્મીનગર વિસ્તારના એક રહેણાંક બહુમાળી ભવનમાંથી અમેરિકનોને ચૂનો ચોપડતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. ગેરકાયદે રીતે ચાલતા કોલ સેન્ટરમાંથી મણિપુર અને નાગાલેન્ડના મળીને કુલ 11 જેટલા યુવક અને યુવતીઓ પોલીસ પકડમાં જોવા મળ્યાં છે. સમગ્ર કોલ સેન્ટરના મુખ્ય સૂત્રધારો સુરેન્દ્રનગર અમદાવાદ અને મુંબઈ તરફ હોવાની વાતમીને આધારે જૂનાગઢ પોલીસે તેને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસને મળેલી પૂર્વ અને ચોક્કસ બાતમીને આધારે રહેણાંક મકાનમાં રેડ કરતા અહીંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. જેમાં મણિપુર નાગાલેન્ડ અને ગુજરાતના એક યુવાન મળીને 11 યુવક યુવતીને પોલીસે ત્રણ લાખની રોકડ અને આઠ લાખ કરતાં વધુના મુદ્દા માલ સાથે પકડ્યા છે. સમગ્ર કોલ સેન્ટરમાં પાંચ આરોપી ફરાર છે. જેમાં મુંબઈની એક મહિલાનું નામ પણ સામે આવ્યું છે. આ તમામને પકડી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને વધુ તપાસ હાથ ધરી છે..હર્ષદ મહેતા (જૂનાગઢ પોલીસ અધિક્ષક )
જૂનાગઢ પરથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર : કોલ સેન્ટર પરથી ત્રણ લાખ કરતા વધુની રોકડની સાથે પોલીસે 8 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. જૂનાગઢ પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક બહુમાળી મકાનમાં ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ધામધામી રહ્યું છે તેવી બાતમીને આધારે અહીં તપાસ કરતા આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. જૂનાગઢ પોલીસની સંયુક્ત ટીમે બહુમાળી ભવનમાં તપાસ કરતા અહીંથી કોલ સેન્ટરના સંચાલન સાથે સંકળાયેલા મૂળ મણિપુર નાગાલેન્ડ અને ગુજરાતના મળીને કુલ 11 યુવક અને યુવતીઓ પકડાયા છે. પકડાયેલા તમામ આરોપી અહીંથી બેઠા બેઠા સમગ્ર કોલ સેન્ટરનું સંચાલન કરતા હતાં.
જૂનાગઢથી અમેરિકનોને લગાડતા હતા ચૂનો : કોલ સેન્ટરમાંથી જે આરોપીઓ પકડાયા છે તે અહીંથી બેઠા બેઠા મૂળ અમેરિકાના લોકોને ચૂનો ચોપડી તેમની સાથે આર્થિક છેતરપિંડી કરી રહ્યા હોવાની વિગતો પણ પોલીસને પ્રાપ્ત થાય છે. ભેજાબાજ યુવાન અને યુવતીઓ અમેરિકન લોકોને એમેઝોન અને પેપલના ખોટા મેસેજ મોકલી તેમના કોન્ટેક નંબર પ્રાપ્ત કરીને આઈબીમ નામની એપ્લિકેશનની મદદથી લેપટોપમાં ફોન રિસીવ કરીને તેમનો ઓર્ડર કેન્સલ કરાવવા અથવા તો કન્ફર્મેશન માટે બેંકની વિગતો મેળવીને તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવાની મેલી મુરાદ સાથે સમગ્ર કોલ સેન્ટર ચલાવતા હતાં.
હજુ પાંચ આરોપીઓ પોલીસ પકડથી બહાર : જે 11 આરોપીઓને પોલીસે પકડ્યા છે તે જૂનાગઢથી માત્ર કોલ સેન્ટર ચલાવતા હતાં, પરંતુ કોલ સેન્ટરના મુખ્ય સંચાલકો હજુ પણ પોલીસ પકડની બહાર છે. જેને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં અમદાવાદના હરજિતસિંહ રાણા ઇન્દ્રજીતસિંહ રાણા, જલય પટેલ તેમજ સુરેન્દ્રનગરના દિગ્વિજયસિંહ રાણા અને મુંબઈની ઈશા વ્યાસ સમગ્ર મામલામાં મુખ્ય સૂત્રધાર હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ફરાર આરોપીને પકડી પાડવા માટે જૂનાગઢ પોલીસે મુંબઈ અને અમદાવાદ સહિત સુરેન્દ્રનગરમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ ચોપડે ફરાર અમદાવાદનો ઇન્દ્રજીતસિંહ રાણા પૂર્વ પોલીસ અધિકારીનો પુત્ર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જે હાલ પોલીસ પકડની બહાર જોવા મળે છે.