જૂનાગઢઃ દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સોમવારે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવા માટે જિલ્લા વહીવટી તંત્રની મંજૂરી માગી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ મંજૂરી ન મળતાં જિલ્લા કાર્યાલય ખાતે કોંગ્રેસી કાર્યકરોએ પ્રતિકાત્મક વિરોધ બેઠક કરીને ભાવ વધારાનો વિરોધ કર્યો હતો.
બેઠકમાં હાજર રહેલા દિગ્ગજ નેતા
- જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી
- વિસાવદરના ધારાસભ્યના હર્ષદ રિબડિયા
- માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા
સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સોમવારો જૂનાગઢમાં પણ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવાનું આયોજન હતું, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના વાઇરસને લઈને શહેરમાં પ્રતિબંધાત્મક જાહેરનામું અમલમાં હોય કોંગ્રેસને કોઇ પણ પ્રકારના જાહેર કાર્યક્રમ અંગે મંજૂરી નહીં આપવામાં આવતા અંતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાવ વધારાના વિરોધમાં પ્રતીક બેઠક કરવામાં આવી હતી.
આ વિરોધ કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, વિસાવદરના ધારાસભ્યના હર્ષદ રિબડિયા અને માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજાએ હાજરી આપી હતી. જે પ્રકારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દરરોજ પેટ્રોલના ભાવ વધારો કરી રહી છે, તેનો વિરોધ કરીને સમગ્ર મામલાને કોંગ્રેસના કાર્યકરો દરેક ગ્રામજનો સુધી પહોંચાડે એવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર જે પ્રકારે પેટ્રોલ-ડીઝલમાં રોજબરોજ ભાવ વધારો કરી રહી છે. જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન ડામાડોળ બની રહ્યું છે. આવી પરિસ્થિતિમાં લોકોની વચ્ચે જઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકવિરોધી નીતિનો ખુલ્લી પાડીને લોકોને સરકારના લોક વિરોધી નિર્ણયની જાણકારી આપવા માટે દરેક કોંગી કાર્યકરોને આજની આ બેઠકમાં આહવાન કરવામાં આવ્યું હતું.