જૂનાગઢ: લગ્નસરાની સીઝન શરૂ થઈ ચૂકી છે. આવા સમયે લગ્ન વાંચ્છુક યુવક અને યુવતીઓ સંસારિક જીવન શરૂ કરે તે માટે તેમના માતા પિતા ખૂબ જ ચિંતિત હોય છે. મોંઘવારીના આ સમયમાં દીકરીના પિતાએ લગ્ન જેવો મોટો ખર્ચ ઉઠાવવાને લઈને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. મોંઘવારીના આ સમયમાં કોડીનારનું હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ ગરીબ મધ્યમ વર્ગીય અને જેના માતા કે પિતા હયાત નથી તેવી તમામ દીકરીઓએ માટે ત્રણ વર્ષથી કોડીનારમાં સમૂહ લગ્નનું આયોજન કરે છે.
26 દીકરીઓએ કરી નવા સંસારની શરૂઆત: હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે 26 દીકરીઓના સમૂહ લગ્નનુ આયોજન કરાયું હતું. જેમાં વર અને કન્યા પક્ષના 3 હજાર જેટલા મહેમાનોને પણ લગ્નનું ભોજન પીરસીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોઈ પણ પ્રકારના ખર્ચ વગર તમામ 26 દીકરીઓએ કરિયાવર સાથે આજે તેના સાંસારિક જીવનની શરૂઆત કરી છે. જેને કારણે આ 26 દીકરીઓના પિતાના માથા પરથી ખર્ચનો બોજ પણ હળવો થઈ ગયો છે.
'કોરોના સંક્રમણ કાળમાં ગરીબ પરિવારની દીકરીઓના લગ્નની શરૂઆત કરાઈ સમૂહ લગ્નનું આ ત્રીજું વર્ષ છે આવનારા દિવસોમાં સમૂહ લગ્નના જે પ્રયાસ છે તેને કન્યાની સંખ્યામાં વધારો કરીને ગરીબ અને માતા કે પિતા વગરની દીકરીને સાસરે વળાવવાનું પુણ્યશાળી કામ ટ્રસ્ટને મળશે તો તેઓ સતત આ પ્રકારના સમૂહ લગ્ન થકી મોટા ભાગની ગરીબ અને માતા-પિતા વિહોણી દીકરીને સાસરે વળાવવા માટેનો પ્રયાસ કરશે.' - જયેશ મેર, હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકર
કોઈ પણ પિતા માટે દીકરીને સાસરે વળાવવી ખૂબ મુશ્કેલ ઘડી હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં ખર્ચને પહોંચી વળવો પણ આટલો જ કપરો હોય છે. પરંતુ જે રીતે હરીઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે લગ્નની જે સમાજસેવા શરૂ થઈ છે તેને કારણે ગરીબ પરિવારની દીકરીઓએ આજે ખૂબ જ માનભેર વાજતે ગાજતે પોતાના સાંસારિક જીવનની શરૂઆત કરી છે.