જૂનાગઢ: 3જી ડિસેમ્બરથી બંગાળના અખાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેને પગલે વાતાવરણમાં પલટો આવી શકે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બંગાળના અખાતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ગુજરાત પર કોઈ પણ પ્રકારના કમોસમી વરસાદનો મોટો ખતરો ઉભો થતો નથી, પરંતુ મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા કે વિસ્તારમાં હળવો વરસાદ કે કેટલીક જગ્યા પર માત્ર છાંટા પડવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત ધિમંત વઘાસીયાએ જણાવ્યું છે કે પશ્ચિમના વિક્ષોપની કોઈ મોટી અસર આ સમય દરમિયાન જોવા મળતી નથી. બંગાળના અખાતમાં નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. તેને કારણે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. બંગાળના અખાતની સિસ્ટમ દૂર થયા બાદ અસલ શિયાળાની ઋતુ શરૂ થશે અને ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયા બાદ લોકોને ઠંડીનો અહેસાસ થતો જોવા મળશે.
વધુમાં તેમણે જણાવ્યું કે હાલ દિવસનું તાપમાન 15થી 17 ડિગ્રી જોવા મળે છે. તેમાં આગામી દિવસોમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈને 12થી 14 ડિગ્રી સુધી જોવા મળશે. બે ડિગ્રીના વાતાવરણમાં તફાવતને કારણે ધીમા પગલે શિયાળાની શરૂઆત પણ થતી જોવા મળશે. 15મી ડિસેમ્બર બાદ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં લોકોને ઠંડીનો અહેસાસ થશે.
ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ઠંડીનું પ્રમાણ વધ્યું છે તો ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, સરકારે પાક નુકસાનીનો સર્વે શરૂ કરી દીધો છે. જો કે આગામી ચાર દિવસ પછી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.