જુનાગઢ : ભર ચોમાસાની સિઝન પાછલા એક મહિના કરતાં વધુ સમયથી વગર વરસાદે પસાર થઈ રહી છે. ત્યારે જુનાગઢ હવામાન વિભાગે હવે વરસાદ અંગે આગાહી કરી છે. તે મુજબ આગામી સપ્ટેમ્બર મહિનામાં 12 થી 16 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સરેરાશ એક થી લઈને ત્રણ ઇંચ વરસાદ પડી શકે છે. વર્તમાન સમયમાં ચોમાસું જાણે કે વિદાય લઈ ચૂક્યું હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળે છે. આવા સમયે હવામાન વિભાગે વરસાદને લઈને એક સંભાવના વ્યક્ત કરી છે. જે એક વરસાદનો ઉજળા સંજોગ સર્જાશે તેવી આશાને જન્મ આપી રહી છે.
હવામાન વિભાગની આગાહી : સપ્ટેમ્બર મહિનો ચોમાસાના વરસાદનો વધુ એક રાઉન્ડ લઈને આવી શકે છે. આ પ્રકારની શક્યતા જુનાગઢ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઓગસ્ટ મહિના દરમિયાન સમગ્ર ભારતમાં 10 થી લઈને 17% સુધી વરસાદની ઘટ જોવા મળતી હતી. તો ગુજરાતની વાત કરીએ તો અહીં સૌરાષ્ટ્ર પ્રાંતમાં જુલાઈ મહિના સુધીમાં સરેરાશ વરસાદ કરતાં 54% જેટલો વધારે વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ ગુજરાતના અન્ય ત્રણ પ્રાંતોમાં આ સમય દરમિયાન 16 ટકા જેટલા વરસાદની ઘટ જોવા મળી હતી. પરંતુ ત્યારબાદ અચાનક વરસાદે રિસામણા શરૂ કરતાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં જુલાઈ મહિના બાદ વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળ્યું હતું.
ચોમાસાના વરસાદને લઈને ગુજરાતને સીધો સંબંધ છે. ત્યાં સુધી પાછલા 15 વર્ષના ઇતિહાસમાં ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ આ વર્ષે નોંધાયો છે. સામાન્ય રીતે જુનાગઢ શહેર અને જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં સરેરાશ 220 mm થી 230 mm જેટલો વરસાદ થતો હોય છે. પરંતુ આ વર્ષે માત્ર 23 મીલી મીટર વરસાદ નોંધાયો છે. જે પાછલા 15 વર્ષનો સૌથી ઓછો વરસાદ માનવામાં આવે છે. -- ધીમંત વઘાસીયા (સહસંશોધક, હવામાન વિભાગ)
આ વિસ્તારમાં વરસાદની સંભાવના : જુનાગઢ હવામાન વિભાગે આગામી સપ્ટેમ્બર મહિનામાં 12 થી 16 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં વિશેષ પ્રમાણમાં અને ગુજરાતના અન્ય પ્રાંતોમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. આ સિવાય રાજ્યના અન્ય પ્રાંતોમાં પણ 12 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી નવી સિસ્ટમને કારણે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
વરસાદ ખેંચાવાનું કારણ : ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમને સક્રિય થવા માટે બંગાળનો અખાત અને કેરલના સમુદ્રથી બનતી સિસ્ટમ જરુરી ભાગ ભજવે છે. તેમાં વિક્ષેપ ઉભો થતા આ વર્ષે વરસાદનું પ્રમાણ ખૂબ અનિયમિત બન્યું છે. મુખ્યત્વે ચોમાસાની ધરી કહેવાય તે હિમાલયની તળેટી તરફ કેન્દ્રિત થયેલી જોવા મળે છે. જેને કારણે વરસાદ ઓછો પડ્યો છે. વધુમાં બંગાળની ખાડીમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થવી જોઈએ. તેનું પ્રમાણ પણ ખૂબ ઓછું જોવા મળે છે. જેને કારણે પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે. આ સિવાય અરબી સમુદ્રમાં કેરલથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદી સિસ્ટમ આકાર લઈને આગળ વધવી જોઈએ, તેમાં અનિશ્ચિતતા જોવા મળી છે. તેને કારણે જુલાઈ મહિના બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સતત ઘટ વર્તાઈ રહી છે.