જૂનાગઢ : જૂનાગઢ જિલ્લો મગફળીના વાવેતર માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં એક સમયે દબદબો ધરાવતો હતો. પરંતુ પાછલા કેટલાક વર્ષો દરમિયાન મગફળીની જગ્યા પર ખરીફ સીઝન દરમિયાન ખેડૂતો અન્ય પાકો તરફ વળ્યા છે. એક સમયે જુનાગઢ જિલ્લાના મોટા ભાગના વાવેતર વિસ્તારમાં મગફળીની ખેતી થતી હતી. પરંતુ સમય અને સંજોગને આધીન ખેડૂતો મગફળીની જગ્યા પર અન્ય ખરીફ પાક તરફ આગળ વધી ચૂક્યા છે. જેમાં કપાસ અને તેલીબિયા તરીકે સોયાબીનનો સમાવેશ થાય છે. જેને કારણે છે જૂનાગઢ જિલ્લામાં ગત ખરીફ સીઝન દરમિયાન અંદાજિત બે લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર નોંધાયું હતું. મગફળીની જગ્યા પર અન્ય ખરીદ ખરીફ પાકો તરફ ખેડૂતો વળ્યાં છે.
પાકોમાં રોગ જીવાતનું આક્રમણ : એક સમયે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોના દિલોમાં રાજ કરતી મગફળી સમગ્ર ગુજરાતમાં સર્વોત્તમ ગુણવત્તા અને ઉત્પાદનની દ્રષ્ટિએ પુષ્કળ પ્રમાણમાં ઉતારો આપતી હતી. પરંતુ ધીમે ધીમે સમય અને સંજોગો બદલાયા મગફળીના પાકોમાં રોગ જીવાતનું આક્રમણ અને દર વર્ષે સતત મગફળીના બજાર ભાવમાં થઈ રહેલા તોતિંગ ભાવ ઘટાડાને કારણે પણ ખેડૂતો અન્ય ખરીફ પાકો તરફ વળ્યા છે. પાછલા કેટલાક સમય દરમિયાન તેલીબિયાં પાક તરીકે જૂનાગઢ જિલ્લામાં સોયાબીનનું વિશેષ પ્રમાણમાં વાવેતર જોવા મળે છે જેને કારણે ખરીફ પાક તરીકે મગફળીના વાવેતરમાં ઘટાડો જોવા મળે છે.
આ પણ વાંચો જૂનાગઢ જિલ્લામા ગત વર્ષની સરખામણીએ મગફળીમા ખેડૂતોનું રજીસ્ટ્રેશન ઓછું થાય તેવી શક્યતા
ગત વર્ષે બે લાખ હેક્ટરમાં થયું હતું મગફળીનું વાવેતર : જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીમાં ગત ખરીફ સીઝન દરમિયાન જૂનાગઢ જિલ્લાના પાંચ તાલુકાઓમાં અંદાજિત બે લાખ હેક્ટર જેટલા વાવેતર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોયાબીન અને અન્ય તેલીબીયા પાક તરીકે કપાસનું વાવેતર થયું હતું. પાછલા કેટલાક સમય દરમિયાન મગફળીમાં બજાર ભાવોને લઈને થતી મથામણ તેમજ રોગ જીવાતને કારણે મગફળીના વાવેતર વિસ્તારમાં ખેડૂતોએ ઘટાડો કર્યો છે તેવું તારણ સામે આવી રહ્યું છે. પરંતુ તેની સામે અન્ય તેલીબિયાં પાક તરીકે સોયાબીનનું વાવેતર પણ વધી રહ્યું છે.
ટેકાના ભાવોને કારણે પણ ખેડૂતો ચિંતાતુર : પાછલા કેટલાંક વર્ષોથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની જે ખરીદ થઈ રહી છે તેના બજાર ભાવો તેમજ ખરીદ પ્રક્રિયાને લઈને સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વખત ટકરાવના બનાવો પણ બન્યા છે. જેને કારણે ખેડૂત સરકારની ખરીદ પ્રક્રિયાથી વિમુક્ત થઈ રહ્યો છે. ગત વર્ષે સરકાર દ્વારા 1150 પ્રતિ 20 કિલો મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યા હતાં. પરંતુ ખુલ્લી બજારમાં સરકારના ટેકાના ભાવો કરતા વધારે બજાર કિંમત મળતા ખેડૂતોએ ખુલ્લી બજારમાં મગફળી વહેંચવાનું પસંદ કર્યું હતું.
આ પણ વાંચો જૂનાગઢ એપીએમસીમાં સોયાબીન અને મગફળીની બમ્પર આવક, કેટલા ક્વિન્ટલ આવક થઇ જૂઓ
ખાદ્યતેલની બજાર કિંમતો પર અસર : જેને કારણે સરકાર દ્વારા ટેકાના ભાવે થઈ રહેલી મગફળીની ખરીદી પર જાણે કે ઓટ આવી ગઈ હોય તેવું સામે આવ્યું છે. હવે જ્યારે સરકાર પાસે ટેકાના ભાવે ખરીદ કરેલી મગફળી નથી તેની વિપરીત અસર હવે ખાદ્યતેલની બજાર કિંમતો પર જોવા મળી રહે છે. હાલ પ્રતિ અઠવાડિયા દરમિયાન 15 કિલો મગફળીના તેલમાં સરેરાશ 50 રૂપિયા જેટલો ભાવ વધારો થઈ રહ્યો છે. જેનું કારણ સરકાર પાસે ઓઈલ મિલરોને પૂરી પડાતી ટેકાના ભાવે ખરીદ કરાયેલી મગફળી નહીં હોવાનું પણ એક તારણ સામે આવ્યું છે. આ તમામ વિપરીત પરિસ્થિતિની વચ્ચે આજે જૂનાગઢ જિલ્લાનો ખેડૂત મગફળીના વાવેતર કરવાથી પાછી પાની કરી રહ્યો છે.