જૂનાગઢ: આજે મકરસંક્રાંતિનું પાવન પર્વ છે ત્યારે આઝાદી બાદ પ્રથમ વખત ઉપરકોટનો કિલ્લો ઐતિહાસિક બન્યો છે. આજથી 6 દશકા પૂર્વે અહીંથી પતંગો નવાબના પરિવાર દ્વારા ચડાવવામાં આવતી હતી. ત્યારબાદ આજે આઝાદ ભારતમાં પ્રથમ વખત ઉપરકોટના કિલ્લામાંથી સામાન્ય લોકોએ પતંગ ચગાવીને સમગ્ર ભારતના ઇતિહાસની ધરોહર સમાન ઉપરકોટના કિલ્લાને ફરી એક વખત ઐતિહાસિક ધરોહરને વધુ ઉજાગર કરીને આજે પતંગોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં જૂનાગઢના પ્રથમ નાગરિક મેયર ધારાસભ્ય સહિત સામાન્ય શહેરીજનોએ પતંગ મહોત્સવમાં ભાગ લઈને 6 દશકા બાદ પતંગોત્સવને લઈને ઉપરકોટના ઇતિહાસને ફરી એક વખત જીવંત કર્યો છે.
આઝાદ ભારતમાં પ્રથમ વખત સામાન્ય નાગરિકો ઉપરકોટના કિલ્લામાંથી પતંગ ઉડાવી શકે તે માટેની વિશેષ વ્યવસ્થા આજના દિવસે કરવામાં આવી છે. આજે સાંજના ચાર વાગ્યા સુધી કોઈ પણ પ્રવાસી ઉપરકોટના કિલ્લામાંથી પતંગ ચગાવીને મકરસંક્રાંતિની ઉજવણી કરવાની સાથે જૂનાગઢની સાથે ભારતના રાજા રજવાડાઓના ઇતિહાસને નજર સમક્ષ ફરીથી જીવંત કરીને ખુશીનો આ ઉત્સવ પતંગોત્સવના રૂપમાં ઉજવતા પણ જોવા મળશે.
જૂનાગઢના પ્રથમ નાગરિક અને મેયર ગીતાબેન પરમાર સાથે ઈટીવી ભારતે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે ઉપરકોટના કિલ્લામાં નવાબના શાસન દરમિયાન કોઈ પણ વ્યક્તિ ને પતંગ ચગાવવાની મનાઈ હતી. આ પરંપરા આજે છ દસકા બાદ ઉપરકોટના કિલ્લામાંથી તેમણે સ્વયં પતંગ ચગાવીને નવી પરંપરા શરૂ કરી છે. અહીંથી કોઈ પણ જૂનાગઢનો નાગરિક પતંગ ચગાવીને ઉપરકોટના ઇતિહાસને નજર સમક્ષ નિહાળી પણ શકે છે તો બીજી તરફ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ પતંગ ચગાવીને આનંદ લુટયો હતો. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના 400 કરતાં વધુ પતંગો લોકસભામાં ઉડતા જોવા મળશે.