જૂનાગઢ: ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસના મધ્યરાત્રિએ વિધિવત રીતે શરૂ થતી હોય છે. પરંતુ ભાવિકોની મોટી સંખ્યામાં હાજરીને કારણે ગઈકાલથી પરિક્રમા શરૂ કરી દેવામાં આવી છે. આજે 1 લાખ કરતાં વધુ પરિક્રમાર્થીઓએ પરિક્રમા પૂર્ણ કરી હતી. અનેક પરિક્રમાર્થીઓ કે જેઓ પહેલીવાર આ લીલી પરિક્રમા કરી રહ્યા હતા તેવા મહિલા યાત્રીઓએ લીલી પરિક્રમાના આહલાદક અનુભવો ETV ભારત સાથે શેર કર્યા હતા.
મુંબઈની સંપદાએ જીવનમાં પ્રથમ વખત પ્રાકૃતિક સૌદર્યને માણ્યું:
મુંબઈની સંપદા પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમામાં સામેલ થઈ હતી. સમગ્ર લીલી પરિક્રમાને લઈને તેમનો પ્રતિભાવ આપતા સંપદાએ જણાવ્યું કે વન વિભાગ દ્વારા ખૂબ સારું કામ કરવામાં આવ્યું છે. પરંતુ કેટલીક જગ્યા પર ગિરનારની ટેકરીઓ ચડી અને ઉતરવી યુવાન પરિક્રમાથીઓ માટે પણ ખૂબ મુશ્કેલ છે આવી પરિસ્થિતિમાં ત્યાં વન વિભાગ કોઈ કાયમી કામ કરે તો યાત્રામાં સરળતા રહે. વધુમાં કેટલીક જગ્યા પર જે ખરાબ માર્ગ છે તેની મરામત પણ વન વિભાગે કરવી જોઈએ વી વાત કરી હતી. આ સિવાય તેમણે ગિરનારના આધ્યાત્મિક અનુભવની સાથે સાથે ગિરનારની પ્રાકૃતિક સંપદાને જીવનમાં પ્રથમ વખત માણી હતી અને આ પ્રકારનો અનુભવ જીવનમાં અનેકવાર કરવો જોઈએ તેવું જણાવ્યું હતું.
પુનાની સોનાલીને યાત્રા પૂર્ણ થયા બાદ શરીરમાં ઉર્જાનો નવો સંચાર થયો:
પુનાથી આવેલી સોનાલીએ પણ તેમના પ્રતિભાવો પરિક્રમાને લઈને વ્યક્ત કર્યા હતા. સોનાલીએ જણાવે છે કે ગિરનારનું પ્રાકૃતિક સૌંદર્ય તેઓએ પહેલી વખત માણ્યું છે આ જ પ્રકારના સૌંદર્યની સાથે જે આધ્યાત્મિક અનુભવ થાય છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. વધુમાં આ પરિક્રમા આજે પણ અજોડ બની રહે છે જેને કારણે તેઓ પ્રથમ વખત પરિક્રમા કરવા માટે આવ્યા હતા 12 કલાકની પગપાળા યાત્રા પૂર્ણ થયા બાદ શરીરમાં એક નવો સંચાર થયો છે.