દેવદિવાળી નિમિત્તે ભવનાથની ગિરી તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. આ કુંડ અંગે એવી લોકવાયકા છે કે, અહીં સ્નાન કરવાથી પાપનો ભાર ઓછો થાય છે. તેમજ આત્મશુદ્ધી થાય છે. કારણ કે, આજ દિવસે એટલે કે, કારતક સુદ પૂનમના દિવસે ગીરી તળેટીએ આવેલાં પવિત્ર દામોદર કુંડમાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્નાન કર્યુ હતું, ત્યારથી આ કુંડમાં સ્થાન કરવાની આ અનોખી પ્રથા ચાલતી આવી છે. જોગાનુજોગ આજના દિવસે ગિરનારની લીલી પરીક્રમા પણ વિધિવત રીતે પૂર્ણ થાય છે. જેથી, પદયાત્રીઓ આ કુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને પરીક્રમાં પૂર્ણ કરે છે.
ઉલ્લેખનીય છે, દેવદિવાળીના દિવસે વિવિધ પૂજા અને પવિત્ર કુંડમાં સ્નાન કરવાનું અનોખું મહત્વ જોવા મળે છે. દેવ દિવાળી અંગે એવી માન્યતા છે કે, આ દિવસે ભગવાન શંકરે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. જેની ખુશીમાં દેવી દેવતાઓએ દિવાળીની ઉજવણી કરી હતી, ત્યારથી કારતક સુદ પૂનમના દિવસે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.