જૂનાગઢ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા પુર અસરગ્રસ્ત જૂનાગઢ, સોમનાથ અને રાજકોટ જિલ્લાના ગામોનો રાજ્યના મુખ્ય સચિવ અને અગ્ર મહેસુલ સચિવની ઉપસ્થિતિમાં હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી. જેમાં પશુઓ માટે ઘાસચારો તેમજ પૂર અસરગ્રસ્ત વિસ્તારોનો તાકીદે સર્વે પૂર્ણ કરીને તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરવાનો આદેશ કર્યો હતો.
તાકિદે સર્વેની કામગીરી શરૂ કરવાની સૂચના: બેઠકમાં રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જોકે સ્થાનિક જનપ્રતિનિધિઓએ બેઠકમાં હાજર રહેવાનું સૂચન ન મળતા તેઓ ગેરહાજર રહ્યા હતા. બેઠકમાં પશુઓ માટે ઘાસચારો તેમજ પુર અને અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તારો માટે તાકિદે સર્વેની કામગીરી શરૂ કરવાની જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને આદેશ કર્યો હતો.
ત્રણ જિલ્લામાં ભારે વરસાદ: પાછલા ત્રણ દિવસ દરમિયાન જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં અતિ ભારે વરસાદ પડ્યો છે. જેમાં જુનાગઢની સાથે વિસાવદર, માંગરોળ, માણાવદર, સુત્રાપાડા, વેરાવળ, તાલાલા આ વિસ્તારોમાં મોસમના 100 ટકા કરતાં વધારે વરસાદ પડી ચૂક્યો છે. જેને કારણે નદીઓમાં આવેલા ઘોડાપૂરને કારણે ખેતીના પાક સહિત પશુઓનો ઘાસચારો અને લોકોની જીવન જરૂરી ચીજ વસ્તુઓને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
હવાઈ નિરીક્ષણ: મુખ્યપ્રધાને રાજ્યના મુખ્ય સચિવની સાથે અગ્ર મહેસુલ સચિવ તેમજ રાહત કમિશનરની હાજરીમાં સમગ્ર જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્સ બેઠક કરી હતી. જેમાં અધિકારીઓને નુકસાનીનો સર્વે અને ઘાસચારાને લઈને પરિસ્થિતિ પૂર્વવત થાય તે માટેના આદેશો કરવામાં આવ્યા હતા.