જૂનાગઢ : આજે 9 નવેમ્બરના રોજ જૂનાગઢનો મુક્તિ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. નવમી નવેમ્બર 1947 ના દિવસે જૂનાગઢ ફરી એક વખત આઝાદી બાદ સ્વતંત્ર ભારતનો હિસ્સો બન્યું હતું. તેની યાદમાં દર વર્ષે બહાઉદ્દીન કોલેજ કે જ્યાં 13 નવેમ્બરના દિવસે સરદાર પટેલે જાહેર સભા સંબોધી હતી, તે સ્થળે આરઝી હકુમતના સ્મારકનું પૂજન કરીને જૂનાગઢને મુક્તિ અપાવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવામાં આવે છે.
જૂનાગઢ મુક્તિદિનની ઉજવણી : આજે આરઝી હકુમતની શીલાનું પૂજન બાદ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ આરઝી હકુમતનું કોઈ કાયમી સ્મારક નહીં હોવાને કારણે રોષ વ્યક્ત કર્યો હતો. પાછલા 20 વર્ષથી આરઝી હકુમતનું કોઈ કાયમી સ્મારક જૂનાગઢ શહેરમાં બને તે માટે સતત લડત કરતા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ સ્મારકને લઈને ફરી એક વખત સરકારની ટીકા કરીને તેમનો રોષ પ્રગટ કર્યો છે.
શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓની લડતને જૂનાગઢવાસીઓ વર્ષો બાદ પણ અનુભવી શકે તેવું એક સ્મારક બનાવવાની માંગ છે. જૂનાગઢમાં આઝાદી દિનની ઉજવણીને લઈને સ્મારક બનાવવા માટે ભારે ઉદાસીન વલણ સરકાર દાખવી રહી છે. -- મહેન્દ્ર મશરૂ (પૂર્વ ધારાસભ્ય, જૂનાગઢ)
આરઝી હકુમત સ્મારકની માંગ : પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ ફરી એક વખત આરજી હકુમતનું કાયમી સ્મારક જૂનાગઢ શહેરમાં બને તે માટે માંગ કરી છે. પાછલા 20 વર્ષ દરમિયાન તેઓ આરઝી હકુમતના કાયમી સ્મારક માટે જૂનાગઢમાં સતત લડત ચલાવી રહ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાનને પણ તેઓ પત્ર લખીને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આ માંગને લઈને સરકારી તંત્ર હજુ સુધી ઉદાસીન જોવા મળ્યું છે.
પૂર્વ ધારાસભ્યની પ્રતિક્રિયા : જૂનાગઢને નવાબ અને પાકિસ્તાનથી મુક્ત કરાવવા માટે સ્વતંત્ર સેનાનીઓ દ્વારા આરઝી હકુમત બન્યું હતું. જેના શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓની લડતને જૂનાગઢવાસીઓ વર્ષો બાદ પણ અનુભવી શકે તેવું એક સ્મારક બનાવવાની વાત કરી છે. આનંદીબેન પટેલના કાર્યકાળ દરમિયાન પણ આ માંગ કરવામાં આવી હતી. તેમ છતાં હજુ પણ જૂનાગઢમાં આઝાદી દિનની ઉજવણીને લઈને સ્મારક બનાવવા માટે ભારે ઉદાસીન વલણ સરકાર દાખવી રહી છે. જેની સામે મહેન્દ્ર મશરૂએ રોષ પણ પ્રગટ કર્યો છે.