જૂનાગઢ : મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રખડતા શ્વાનોના ઉપદ્રવને ધ્યાને રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્વાનોના ખસીકરણ કાર્યક્રમ ઘણા વર્ષોની મહેનત અને લડત બાદ ફરી એક વખત શરૂ થયો છે. બે દિવસ દરમિયાન 19 જેટલા શ્વાનોના ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યુ છે. નર અને માદા શ્વાનોના ઓપરેશન બાદ શ્વાનોના ઉપદ્રવના કિસ્સા અને શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યામાં ચોક્કસ પણે ઘટાડો થાય તે માટે આગામી બે વર્ષ સુધી શ્વાનોના ખસીકરણનો કાર્યક્રમ શરૂ રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટની સુચના અને આદેશ અનુસાર જે વિસ્તાર માંથી શ્વાનને પકડવામાં આવ્યા હોય તે જ વિસ્તારમાં ફરીથી તેને ખસીકરણ બાદ મુક્ત કરવાનું હોય છે તે મુજબ આ સમગ્ર કાર્યક્રમ શરૂ કરાયો છે.
શહેરમાં રખડતા શ્વાનોના ખસીકરણથી તેની સંખ્યામાં ચોક્કસ ઘટાડો કરી શકાશે. વધુમાં ખસીકરણ બાદ પ્રત્યેક શ્વાનને હડકવા વિરોધી રસી પણ મૂકવામાં આવે છે. જેથી શ્વાનો હડકવાથી પણ મુક્ત બની શકે, સાથે સાથે જે શ્વાનોના ગર્ભાશય અને ટેસ્ટિકલ દૂર કરાય છે તેને કેન્સર અને પ્રોસ્ટેટ જેવી ગંભીર બીમારી પણ થઈ શકતી નથી. વધુમાં નર શ્વાનો માંથી ટેસ્ટીંકલ દૂર થવાથી ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ શરીર માંથી ઝરતો બંધ થાય છે. જેથી શ્વાનોનુ આક્રમક બનવું અને અચાનક કોઈ પણ વ્યક્તિને કરડવું તેવી સમસ્યા માંથી પણ મુક્તિ મળશે. - ડો. ધવલ પટેલ
પકડાયેલ શ્વાનને ટેગ આપવામાં આવે છે : સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કોઈપણ શ્વાનને પકડીને કાયમ માટે રાખી શકાતો નથી. આવી પરિસ્થિતિમાં શ્વાનોને પકડીને તેનું ખસીકરણ કરીને તેને જે તે સ્થળ પર છોડી મૂકવાનો હોય છે. વધુમાં વન્ય પ્રાણી અધિનિયમ મુજબ પણ કોઈપણ શ્વાનના ખસીકરણ કે રસિકરણ કર્યા બાદ તેના જમણા કાનમાં અંગ્રેજીના V આકારનું નિશાન કરવું ફરજિયાત છે. ત્યારે રસીકરણ કરાયેલા પ્રત્યેક શ્વાનના જમણા કાન પર V આકારનું નિશાન કરીને ખસીકરણ કરાયેલા શ્વાનની વિશેષ ઓળખ કરવામાં આવે છે. જ્યારે શ્વાનને પકડવામાં આવે ત્યારે આ વિશેષ ઓળખવાળું શ્વાન પકડાઈ તો તેને મુક્ત કરી દેવામાં પણ સરળતા પડે તે માટે પણ આ નિશાન લગાવાય છે.
ગર્ભાશય અને ટેસ્ટીકલ દૂર કરાય છે : શ્વાનોના ખસીકરણ દરમિયાન માદા શ્વાનનું ગર્ભાશય દૂર કરી દેવામાં આવે છે. તો બીજી તરફ નર શ્વાનોના બંને ટેસ્ટિકલને દૂર કરીને શ્વાનોની સંતતિ નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે. ઓપરેશન કરતા પૂર્વે જે તે વિસ્તાર માંથી પકડેલા શ્વાનને 12 કલાક સુધી ભૂખ્યું રાખ્યા બાદ બીજે દિવસે તેના પર શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. ત્યાર બાદ આ શ્વાનોને ત્રણ દિવસ સુધી તબીબોની દેખરેખ નીચે રખાય છે. જ્યાં તેને પૂરતા પ્રમાણમાં ખોરાક પાણી અને જરૂરિયાત મુજબની દવા આપીને ત્રણ દિવસ બાદ ફરીથી તેને જે તે મૂળ જગ્યા પર મુક્ત કરવામાં આવે છે.