જૂનાગઢ: શારદીય નવરાત્રી આગામી 15 તારીખ થઈ શરૂ થવા જઈ રહી છે. ત્યારે નવરાત્રિને વધાવવા માટે યુવાનો મહિલાઓ યુવતીઓ અને ખાસ કરીને બાળકો ખૂબ જ થનગનાટ સાથે આગામી નવરાત્રિના તહેવારને ઉજવવા માટે સખત મહેનત કરતા જોવા મળી રહ્યા છે. નવરાત્રી દરમિયાન નવ દિવસ અવનવા સ્ટેપ અને ગરબા કરીને સૌ કોઈનું ધ્યાન તેમના તરફ આકર્ષિત કરવા માટે ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રીને હજુ બાર દિવસ જેટલો સમય બાકી છે. તેમ છતાં જૂનાગઢના ખેલૈયાઓ દિવસના ત્રણ કલાક સુધી ખૂબ જ આકરી મહેનત કરીને અવનવા સ્ટેપ શીખી રહ્યા છે.
ત્રણ વર્ષ બાદ નવરાત્રીનો અનોખો ઉત્સાહ: કોરોના સંક્રમણને કારણે પાછળના વર્ષો દરમિયાન નવરાત્રી નો ઉત્સાહ અને ખેલૈયાનો થનગનાટ કેટલીક મર્યાદાને કારણે ઓસરતો જતો જોવા મળતો હતો. પરંતુ આ વર્ષે તમામ પ્રકારની અનુકૂળતા અને ખાસ કરીને એક પણ પ્રકારની મર્યાદાઓ લાગુ કરવામાં આવી નથી. જેને કારણે ખેલૈયાઓમાં નવરાત્રી પૂર્વેનો ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના નવ દિવસો યુવા હૈયાઓને જાણે કે અવનવા સ્ટેપ અને ગરબાથી વર્ષભરની એક નવી ઉર્જાનું સંચાર કરતા હોય છે. તે પ્રકારે ઉત્સાહ સાથે જૂનાગઢના યુવાનો અને ખાસ કરીને યુવતી બાળકોને મહિલાઓ ગરબાના અવનવા સ્ટેપની તાલીમ અને તે પણ રંગબેરંગી વસ્ત્ર પરિધાન સાથે બિલકુલ નવરાત્રી અસલ રંગમાં કરતા જોવા મળી રહ્યા છે.
"આ વર્ષની નવરાત્રી ખેલૈયાઓની સાથે ગરબા ટ્રેનર માટે પણ ખાસ બનવા જઈ રહી છે આ વર્ષે બિલકુલ મુક્ત મને ખેલૈયાઓ એકમાત્ર નવ દિવસ સુધી ગરબે ઘુમવાના મક્કમ ઈરાદા સાથે તાલીમ મેળવી રહ્યા છે કેટલાક ખેલૈયાઓ તો અવનવા સ્ટેપ અને તાલ સાથે ગરબા કરવાને લઈને ખુદ આગળ આવી રહ્યા છે આ પ્રકારનો માહોલ ગરબા ટ્રેનરો માટે પણ ખૂબ જ ઉત્સાહજનક છે"--શ્રુતિ સાંગાણી (ગરબા ટ્રેનર)
મહિલા ખેલૈયાએ આપ્યો પ્રતિભાવ: આ વર્ષની નવરાત્રીની ઉજવણી કરવા માટે ખાસ જૂનાગઢ આવેલા મહિલા ખેલૈયા નિષ્ઠા ઉપાધ્યાયે ઈ ટીવી ભારત સાથે નવરાત્રીને લઈને તેમનો અભિગમ સ્પષ્ટ કર્યો હતો. જણાવ્યું હતું કે તેઓ આ વર્ષની નવરાત્રી તેમના નણંદ સાથે જૂનાગઢમાં ઉજવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. નવ દિવસ દરમિયાન નણંદ ભોજાઈ કપલ પેર બનાવીને ગરબે રમવા ઉત્સુક છે. તે માટેની તેઓ તાલીમ મેળવી રહ્યા છે.