જૂનાગઢ: સતત વરસાદ વરસવાને કારણે જૂનાગઢ જિલ્લાના તમામ જળાશયો છલકાઈ ગયા છે. આ જળાશયોમાં પાણીનો જથ્થો વધતા તેના દરવાજાઓ જરૂરિયાત મુજબ ખોલવામાં આવી રહ્યા છે. જેમાં આંબાજળ, સરસઈ, ઓઝત, વિયર અને વ્રજમી ડેમ છલકાઈ ગયા છે. ડેમમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે, જેને ધ્યાને રાખીને નદીના પટ વિસ્તારના ગામો તેમજ લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદને કારણે જિલ્લામાં આવેલા તમામ જળાશયો છલકાઈ રહ્યા છે. જેને લઇને જળાશયોના દરવાજા જરૂરિયાત મુજબ ખોલવામાં આવી રહ્યા છે.
આવી પરિસ્થિતિમાં ડેમોમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો પ્રવાહ નદીઓમાં વહેતા થશે. જેના કારણે નદીના પટ વિસ્તારમાં તેમજ નીચાણવાળા ગામોને સાવચેત રહેવા તેમજ સલામત સ્થળે ખસી જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ગામોને આદેશ કરાયો છે. ડેમના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જેથી લોકોને બિનજરૂરી નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચનાઓ આપવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લાનાં ક્યા ડેમના કેટલા પાટીયા ખોલવામાં આવ્યા?
ગામ | ડેમ | પાટીયાની સંખ્યા |
બાદલપુર | ઓઝત ડેમ | 4 |
સતાધાર | આંબાજળ ડેમ | 4 |
મોણીયા | સરસઈ ડેમ | 2 |
શાપુર | ઓજત વિયર 2 ડેમ | 7 |
માળીયા | વ્રજમી ડેમ | 7 |