જૂનાગઢ : પાછલા કેટલાક સમયથી રાજ્યમાં પ્રેમ લગ્નને લઈને યુવક અને યુવતીના માતા-પિતાની સહમતિ કે મંજૂરી હોવી જોઈએ આ ખૂબ જ સંવેદનશીલ વિષય પર પાછલા ઘણા સમયથી ચર્ચાઓનો દોર જોવા મળતો હતો. જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે બે દિવસ પૂર્વે મહેસાણામાં આયોજિત કાર્યક્રમમાં પ્રેમ લગ્નને લઈને માતા અને પિતાની મંજૂરી કે સહમતી હોવી જોઈએ તે વાતનો સ્વીકાર કર્યો હતો. તેમની પાછળનો તેમનો ઉદ્દેશ્ય એ હોઈ શકે કે પ્રેમ લગ્ન સફળ થતાં નથી. સામાજિક અને કાયદાકીય મુશ્કેલીઓ ઉભી થતી હોય છે. પરંતુ પ્રેમ લગ્નના એકમાત્ર પાસાને ધ્યાને રાખીને થતા લગ્નમાં માતા પિતાની પૂર્વ મંજૂરી કે સહમતીને જરૂર કરતાં વધારે હોવાનું જૂનાગઢનો દંપતી માની રહ્યું છે.
કાયદાકીય રીતે પણ પ્રેમ લગ્ન કાયદેસર : કોઈ પણ પુખ્ત વયના યુવક કે યુવતી કે જેની વય ભારતના કાયદા દ્વારા લગ્નની પ્રમાણિત કરવામાં આવી છે. આવો કોઈ પણ યુવક કે યુવતી પોતાની ઈચ્છા કે પસંદગીના પાત્ર સાથે લગ્નગ્રંથિથી જોડાઈને સામાજિક જીવન જીવવાનો અધિકાર મેળવે છે. પરંતુ હવે ખૂબ જ સંવેદનશીલ વિષય અને મુદ્દા પર ચર્ચાનો દોર આગળ વધ્યો છે. પ્રેમ લગ્નને કાયદાકીય રીતે મંજૂરી મળી છે તેમાં હવે માતા પિતાની સહમતી કે પૂર્વ મંજૂરી હોવી જોઈએ તેવો એક વિચાર સતત ચર્ચાઈ રહ્યો છે. લગ્નને પ્રેમ લગ્ન નહીં પરંતુ બે કુટુંબ અને સમાજ વચ્ચે પારસ્પરિક સંબંધોથી સામાજિક રીત રીવાજ મુજબ થયેલા લગ્નની વ્યાખ્યામાં જોડાઈ જશે જેને કારણે પ્રેમ લગ્ન જેવી વ્યાખ્યાના અસ્તિત્વ પર અનેક સવાલો પણ ઊભા થશે.
પ્રેમ લગ્ન કરનાર દંપતીનું મંતવ્ય : મિહિરભાઈ અને રિયાબેને પણ પ્રેમ લગ્ન કર્યા છે. તેઓ સફળ દાંપત્ય જીવન જીવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતના કાયદામાં પણ પ્રેમ લગ્નને વૈધાનિક રીતે યોગ્ય માનવામાં આવ્યા છે. પરંતુ હવે પ્રેમ લગ્નમાં પણ યુવતી કે યુવકના માતા પિતાની પૂર્વ મંજૂરી કે સહમતિ હોવાની વાતે જે ચર્ચાનું જોર પકડ્યું છે તેને લઈને તેઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આધુનિક ભારતમાં પણ સમાજ જીવનમાં જ્ઞાતિ જાતિના જે સમીકરણો આજે પણ જોવા મળે છે જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પ્રેમને એક માત્ર નિર્દોષ ભાવથી સૌ કોઈએ જોવાની જરૂર છે. તેમાં સામાજિક બંધનો લગાવીને પ્રેમ જેવા પવિત્ર સંબંધ ગુંચવણમાં મુકાઈ શકે છે. વધુમાં જો પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહમતી કે મંજૂરી અનિવાર્ય બને તો પ્રેમ લગ્નની વ્યાખ્યા સામાજિક લગ્નમાં બદલાઈ જશે અને પ્રેમ લગ્ન જેવી કોઈ વ્યવસ્થા અસ્તિત્વમાં રહેશે કે કેમ તેના પર પણ સંદેશ ઉભો થઈ શકે છે.