જૂનાગઢઃ ગાંધીજીએ સત્ય, અહિંસા અને પ્રેમ જેવા ગુણો જીવનમાં સાર્થક કર્યા હતા. ગાંધીજીના જીવનમાં આવેલા પડકારો અને તેમણે આ પડકારોનો પૂરી દ્રઢતાથી કરેલો સામનો અનેક લોકો માટે આદર્શ બની ગયા છે. તેમનું જીવન દરેક માટે પ્રેરણારૂપ છે. ટૂંકમાં ગાંધીજી એક બેસ્ટ રોલ મોડલ છે.
ગાંધી જયંતિનો મહિમાઃ આજે ગાંધી જયંતીના દિવસે દેશવાસીઓ ગાંધીજીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ખાદી અને તિરંગાની ખરીદી કરે છે. અનેક ઠેકાણે ગાંધીજીના પુસ્તકોનું પણ વેચાણ થતું જોવા મળે છે. જૂનાગઢમાં સવારથી જ ખાદી ભંડાર ખાતે ગ્રાહકોની ભીડ ઉમટી પડી છે. આ ગ્રાહકો ગાંધીજીને મનપસંદ એવી ખાદી અને તિરંગાની ખરીદી કરે છે. કેટલાક યુવાનો ગાંધી સાહિત્યની પણ ખરીદી કરે છે. ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્માનું બિરુદ આપ્યું હતું. જે ખરેખર સાર્થક જ છે.
ન ભૂતો ન ભવિષ્યતિ વ્યક્તિત્વઃ મોહનદાસ કરમચંદ ગાંધી માંથી મહાત્મા ગાંધી થનાર આપણા સૌના લોકલાડીલા ગાંધીજી એક વ્યક્તિવિશેષ હતા. ગાંધીજી જેવું ચરિત્ર સમગ્ર વિશ્વમાં અન્ય ક્યાંય નથી. તેમનું અનુસરણ કરીને મહાન બનેલા મહાનુભાવો વિશ્વમાં છે જેમાં નેલ્સન મંડેલા જેવા નેતાનો સમાવેશ થાય છે. નેલ્સન મંડેલાને દક્ષિણ આફ્રિકાના ગાંધીનું બિરુદ મળ્યું છે. નેલ્સન મંડેલા જેવા ગાંધીજીના મૂલ્યોને અનુસરનારા વ્યક્તિત્વ મળી રહે છે પણ ગાંધીજી જેવા બીજા ગાંધીજીનો જોટો જડવો અશક્ય છે. તેથી જ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા ગાંધીજીને અભૂતપૂર્વ રોલ મોડલ તરીકે ઓળખાવી રહ્યા છે.
મહાત્મા ગાંધી સમગ્ર વિશ્વ માટે એક બેસ્ટ રોલ મોડલ હતા, છે અને રહેશે. ગાંધી જયંતિના દિવસે આ ખાદી અને તિરંગાની ખરીદી કરીને તેમને યાદ કર્યાનો ગર્વ છે. ગાંધીજીના જીવનમાંથી ત્રણ ગુણો, વિચારો જો આપણા જીવનમાં ઉતારીએ તો ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે...સંજય કોરડીયા(ધારાસભ્ય, જૂનાગઢ)