જામનગર : સામાન્ય નાગરિક નહિ પરંતુ એક ધારાસભ્ય સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. જામનગરના ધારાસભ્યને પ્રમોશન મળે તે માટે આશીર્વાદ આપવા મારા ગુરુજી તત્પર છે, તેમ જણાવી એક શખ્સે ફોન કર્યા પછી રૂ.51 હજારના કવરની માગણી કરી હતી. આ શખ્સની વાતચીતથી વહેમાયેલા ધારાસભ્યએ પોલીસને આ અંગે માહિતી આપી હતી. આ પ્રકરણમાં જામનગર પોલીસે ત્રણ ચીટર શખ્સોની અટકાયત કરી હોવાનું ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ જણાવ્યું હતું.
ઠગે પાથરી જાળ : આ બનાવ અંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા એક અજાણ્યા વ્યક્તિએ કોલ કરીને જણાવ્યું હતું કે, પોતે એક ગુરુજીના શિષ્ય છે. આ શખ્સે ગુરુજીએ તમારું રાજકીય પ્રમોશન પાક્કું છે તેવા આશીર્વાદ પાઠવ્યા છે, તેમ કહી વાતોની જાળ પાથરી હતી. ત્યારબાદ પોતે અમરેલીથી બોલતો હોવાનું અને હમણાં ગુરુજી સાથે વાત કરાવું તેમ કહી આ શખ્સે આશીર્વાદ માટે વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું. બાદમાં હળદર સહિતની ચીજવસ્તુઓ મૂકી ત્રણ કવર તૈયાર કરવા જણાવ્યું હતું.
ધારાસભ્યની પારખુ નજર : વધુ વાત કરતા તે શખ્સે એક કવરમાં રૂ.51 હજાર મૂકવાનું કહેતા ધારાસભ્યએ રૂ.101 મૂકીશ તેમ કહ્યું હતું. તેના જવાબમાં અજાણ્યા શખ્સે કહ્યું કે, આટલા મોટા સમુદાયના ધર્મગુરુ તમને પ્રમોશન માટે આશીર્વાદ આપી રહ્યા છે, ત્યારે ઓછામાં ઓછા રૂ.51 હજાર મૂકવા પડશે. તમને પ્રમોશન મળે તે માટે આશીર્વાદ આપવા અમારા ગુરૂજી તત્પર છે તેમ જણાવી રૂ. 51 હજારના કવરની માંગણી કરી હતી.
અજાણ્યા ઠગ ઝડપાયા : જોકે અજાણ્યા શખ્સની વાત પરથી ધારાસભ્યને કોઈ ઠગ પોતાની સાથે વાત કરતો હોવાનું અનુમાન આવી ગયું હતું. આ રકમ પોતે આપી શકે તેમ નથી તેમ કહેતા સામા છેડે રહેલા શખ્સે રૂ. 21 હજાર કવરમાં મૂકવા કહ્યું હતું, પરંતુ તે રકમ પણ આપવાની ધારાસભ્યએ ના પાડી હતી. આ શખ્સની વાતચીતને પારખી ગયેલા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરુ કરી જૂનાગઢથી બોલી રહેલા અજાણ્યા શખ્સના સગડ દબાવ્યા હતા. આખરે જામનગર પોલીસે એસ.ટી. ડેપો પાસેથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. ઉપરાંત અજાણ્યા શખ્સોની પૂછપરછ હાથ ધરી છે.