જામનગરમાં ચિત્ર નગરી પ્રોજેક્ટ અંતર્ગત રવિવારે 40 જેટલા ચિત્રકારોએ ગોરવપથ પર ચિત્ર દોરી શહેરની શોભા વધારી છે. જામનગરમાં સતત ચોથા રવિવારે શહેરના મુખ્ય માર્ગ ગણાતા ગોરવપથ પર ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. આ ચિત્ર સ્પર્ધામાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ચિત્રકારોએ પોતાની કલાને ચિત્રો મારફતે કંડારી છે. ખાસ કરીને આ ચિત્રોમાં વિંગ કમાન્ડર અભિનંદન, પાણી બચાવો, સ્વચ્છતા અભિયાન જેવી થીમ પર ચિત્રો દોરવામાં આવી રહ્યા છે.
મહત્વનું છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ ચિત્રકારોની કલર સહિતની સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે. ચિત્રકારો માત્ર પોતાની પીછી લઈ ચિત્ર દોરવા માટે આવે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ચાર વીકથી શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ચિત્રકારો પાસે ચિત્રો કંડારવામાં આવી રહ્યા છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા જે ચિત્રકારોમાં કલા રહેલી છે તે કલાને લોકો સુધી પહોંચાડવામાં આવે તેવા ઉદેશથી શહેરના રાજમાર્ગો પર જુદાજુદા ચિત્રો દોરવામાં આવ્યા છે.