જામનગર : જામનગરની અદાલતમાં આજે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતું, અલગ અલગ અંદાજે 9000 જેટલા કેસ સમાધાન માટે મુકવામાં આવ્યા છે, જેમાં લગત કેસમાં પક્ષકારો જોડાયા હતાં અને લોક અદાલતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કયા પ્રકારના કેસ લેવાયાં : નેશનલ લોક અદાલતમાં ફોજદારી, નેગોશીએબલ, બેન્ક રીકવરી દાવા, લેબર તકરાર, લગ્ન વિષયક, કૌટુંબિક તકરાર, જમીન સંપાદન, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃત્તિ લાભના કેસ, રેવન્યુ કેસનો નિકાલ કરાશે.
સમાધાન માટે 9000 કેસ મૂકાયાં : ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના આદેશ અનુસાર જામનગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આજરોજ જામનગર જિલ્લામાં નેશનલ લોક અદાલતનું કરવામાં આવ્યું છે. જિલ્લાની તમામ કોર્ટમાં ફોજદારી, સમાધાન કેસ, નેગોશીએબલ, બેન્ક રીકવરી દાવા, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક કેસ, વીજળી-પાણી બિલ સમાધાન પાત્ર ન હોય તે સિવાયના કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃત્તિ લાભના કેસ, રેવન્યુ કેસ વિગેરે મળી આશરે 9000 કેસ સમાધાન માટે મુકવામાં આવ્યા છે.
જજીસ દ્વારા કેસ કાર્યવાહીનું નિરીક્ષણ : નેશનલ લોક અદાલતના આયોજન અંગેની જાણ અગાઉથી કરવામાં આવી હતી. આથી લાગતાવળગતામ કેસના અરજદારો સહિતના જામનગરની અદાલત ખાતે ઉપસ્થિત રહ્યા હતાં. સવારે જામનગર કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતના આયોજનમાં જુદા જુદા કેસ સબંધે સમાધાન માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જજીસ દ્વારા કેસ કાર્યવાહીનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું.
આર્થિક નુકશાની અને સમયની બચત : આ પ્રકારની લોક અદાલતોમાં સમાધાનકારી વલણ અપનાવીને કેસનો નિકાલ લાવી શકાય તેનાથી પક્ષકારને ન્યાય મળી શકે છે, વધુમાં લોક અદાલતના માઘ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકશાની અને સમયની બચત થાય છે.