જામનગર : જામનગરના હાપા માર્કેટ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલની યાદીમાં જણાવ્યા મુજબ જામનગર હાપા માર્કેટ યાર્ડ ખાતે આજે વિવિધ જણસીઓની આવક સાથે હરાજી કરવામાં આવી હતી. જેમાં 132 જેટલા ખેડૂતો પોતાના જીરાની જણસી વેચવા હાપા માર્કેટ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતાં અને 1800 ગુણીથી પણ વધુની જીરાની આવક આજે હાપા માર્કેટ યાર્ડમાં થઈ છે.
ખેડૂતો ખુશખુશાલ : હાપા માર્કેટ યાર્ડમાં જીરાની જાહેર હરાજી બોલાઇ હતી. જેમાં આજેં જીરુંના એક મણના રૂપિયા 10,225 સુધીના અત્યાર સુધીના સૌથી ઊંચા રેકર્ડ બ્રેક ભાવ બોલાયા હતાં. આવા અધધ ભાવ બોલાવાના પગલે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતાં.
વાવાઝોડા બાદ ખેડૂતો પોતાની વિવિધ જણસીઓનું વેચાણ કરવા માટે યાર્ડ ખાતે આવી રહ્યા છે. જોકે આજરોજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા એક ખેડૂતને જીરૂંનો ભાવ ઊંચો મળ્યો છે. જે અત્યાર સુધીનો હાપા યાર્ડનો રેકોર્ડબ્રેક ભાવ ગણાય છે...હિતેશ પટેલ(હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી)
જામજોધપુર યાર્ડમાં પણ ઊંચી બોલી : ગત વર્ષે જે પ્રકારે જીરૂનો ભાવ 7 થી 8000 ખેડૂતોને મળ્યો હતો તો આ વખતે 10,000 ની પાર પહોંચ્યો છે જે ખેડૂતો માટે એક સારા સંકેત ગણી શકાય.જોકે જામનગર પંથકમાં જીરાનું અને અજમાનું સારું ઉત્પાદન થઇ રહ્યું છે. ગઈકાલે જામજોધપુર યાર્ડમાં પણ એક ખેડૂતને 10,000 મણનો ભાવ જીરુનો મળ્યો હતો.
જીરાનો પાક લેવો અઘરો : આમ પણ જામનગર પંથકમાં જીરુંનું ઉત્પાદન સારું એવું થાય છે અને ખેડૂતોને ઊંચો ભાવ મળતા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે જીરુંના વાવેતરથી લઈ તેના ઉત્પાદન સુધી ખેડૂતોએ ખૂબ સાવધાની રાખવી પડે છે. કારણ કે જીરૂનો પાક બગડી જવાની શક્યતાઓ ઘણી હોય છે. જીરુના પાકમાં સમયસર પાણી પાકને મળવું જોઈએ. તેમ જ યોગ્ય બિયારણ અને દવાનો છંટકાવ પણ સમયસર કરવો પડે નહીંતર જીરૂનો પાક બગડવાની સો ટકા શક્યતા હોય છે.