જામનગર : મહાનગરપાલિકામાં રાજ્ય પ્રધાન મુળુ બેરાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જામનગરના વિવિધ વિકાસના કામો અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે બેઠકમાં ચર્ચા થઈ હતી. હેરિટેજ બિલ્ડીંગોની જાળવણી માટે પણ થઈ ગહન ચર્ચા થઈ હતી.જેમાં ધારાસભ્ય દિવ્યશ અકબરી અને મહાનગરપાલિકાના મેયર બીના કોઠારી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર શહેરમાં અનેક હેરિટેજ બિલ્ડીંગ આવેલા છે. આ તમામ હેરિટેજ બિલ્ડીંગોની જાળવણી કરવી એ જામનગર મહાનગરપાલિકા અને રાજ્ય સરકારની જવાબદારી છે. જોકે જામનગર શહેરમાં હાલ પૂજ્ય કોઠાનું રીનોવેશનનું કામગીરી ચાલી રહી છે તો ખંભાળિયા નાકાની રીનોવેશનની કામગીરી પણ ચાલી રહી છે સાથે સાથે ત્રણ દરવાજાની રીનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવ્યું છે. તેમજ શહેરમાં વૃક્ષોની સંખ્યા ખૂબ ઓછી હોવાના કારણે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે. - મૂળુ બેરા (રાજ્યપ્રધાન)
પ્રદૂષણ અટકાવવા પ્રયાસ : આ ઉપરાંત ગુજરાતમાં તમામ શહેરોમાં કેટલા ટકા પ્રદૂષણ છે તે માપવા માટેના મશીનો મૂકવામાં આવી રહ્યા છે. જેની શરૂઆત સુરતથી થઈ છે. જામનગરમાં પણ આ મશીન મુકવામાં આવશે અને જામનગર શહેરમાં કેટલા ટકા પ્રદૂષણ છે તેની જાણકારી મળી રહેશે. જેના કારણે પ્રદૂષણને અટકાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં જામનગર જિલ્લામાં અનેક ગામડાઓમાં પાણીની પોકાર બોલતો હોય છે ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદાનું નિર પહોંચી વળે તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સાથે સાથે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે તેવું રાજ્યપ્રધાને જણાવ્યું હતું.
જામનગર પંથકમાં વિકાસની ચર્ચા : ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં અધૂરા કામો તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પણ મહાનગરપાલિકા દ્વારા કામગીરીને વધુ વેગ આપશે. સરકારની વિવિધ યોજનાઓનો છેવાડાના માનવીઓને લાભ મળે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. જામનગર શહેરમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે અને ગ્રીન સિટી બને તે માટે એક્શન પ્લાન ઘડાશે. તેમજ નર્મદાના નીર દરેક ઘરે પહોંચે તે માટે રાજ્ય સરકાર તમામ પ્રયાસ કરી રહી છે.