જામનગરઃ સરકારી જમીનો પરથી દબાણો દૂર કરવાની કામગીરી હાલ જામનગરમાં ચાલી રહી છે. આ દરમિયાન દરેડમાં આ કામગીરી કરવામાં આવી હતી. જેના વિરોધમાં યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી. આ યુવકને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. યુવકે અનેક અધિકારીઓ છેલ્લા 8 મહિનાથી હેરાન પરેશાન કરતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ 38 વર્ષીય ભાવિન સોલંકી નામક યુવાન દરેડ ઈન્દિરા આવાસમાં રહે છે અને દરેડમાં હનુમાનજી મંદિરની બાજુમાં કપડાની દુકાન દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે છે. આ યુવક છેલ્લા 8 વર્ષથી આ દુકાન ચલાવે છે. આજ રોજ સરકારી જમીનો પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આ યુવકના કેબિનને પણ દૂર કરવામાં આવ્યું હતું. કેબિનને દૂર કરાતા જ યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી. આ સમયે પોલીસ કાફલો અને મોટી સંખ્યામાં વહીવટી અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. આ ઘટના બાદ યુવકને જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. યુવકે અમુક અધિકારીઓ છેલ્લા 8 મહિનાથી બહુ પરેશાન કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. આ યુવકની તબિયત હાલ સ્થિર હોવાનું જીજી હોસ્પિટલના ડોક્ટર્સ જણાવી રહ્યા છે.
દબાણ હટાવો ઝુંબેશઃ જામનગર શહેરમાં આજે ટીટોડી વાડીથી લઈને કાચીની ખીડકી સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સરકારી જમીનો પર દબાણો કરવામાં આવ્યા હોવાથી વહીવટી તંત્ર દ્વારા અનેક વિસ્તારોમાં દબાણ હટાવોની ઝુંબેશ ચલાવી રહી છે. જે દરમિયાન દરેડના યુવકે આ કામગીરીના વિરોધમાં ઝેરી દવા ગટગટાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.