જામનગર : જામનગર નજીક નાઘેડી ગામની રવિકુંજ સોસાયટીમાં કર્મચારીના મકાનમાં ત્રાટકેલા તસ્કરો દાગીના અને રોકડ મળી 2.85 લાખનો મુદામાલ ઉસેડી ગયા છે, તથા જામનગરના મહાપ્રભુજીની બેઠક પાસે એક મકાનમાં ત્રાટકેલા તસ્કરો બે રુમમાંથી ચાંદીના દાગીના,40 હજારની રોકડ ચોરી કરી જતા પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે. ચોરીના બનાવ પાછળ કોઇ જાણભેદુ હોવાની આશંકા દર્શાવીને આ દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
31 ઓગસ્ટે થઇ ચોરી : જામનગરના નાઘેડી ગામમાં આવેલ રવિકુંજ સોસાયટી મકાનમાં રહેતા અને મૂળ યુપીના નોયડા સેકટર-82 ખાતેના વતની અર્પિત બાલગોપાલસીંઘ ચૌહાણ નામના કર્મચારીના રહેણાંક મકાનમાં ગત 31 ઓગસ્ટે રાતેે કોઇ અજાણ્યા ઇસમો ત્રાટકયા હતાં. મકાનના પાછળની ગેલેરીની ગ્રીલ તોડીને અંદર આવી પાછળનો દરવાજો તોડી ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.
ઘરમાં રાખેલા કબાટમાંથી રોકડા 20 હજાર, સોનાના દાગીના અને આશરે અઢી કીલો ચાંદી મળી કુલ 2.85 લાખનો મુદામાલ ચોરી કરી ગયા હતાં. આ અંગે અર્પિતભાઇ દ્વારા ગઇકાલે પંચ-બીમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા એફએસએલની મદદથી તપાસ ચલાવવામાં આવી રહી છે. પંચ-બીના પીએસઆઇ એમ.એ. મોરી અને સ્ટાફ દ્વારા કાર્યવાહી આગળ ધપાવી છે...જે. બી. જાડેજા (ડીવાયએસપી)
21 ઓગસ્ટે પણ ચોરીનો બનાવ : ચોરીના બીજા બનાવમાં જામનગરના મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા અને બાંધણીનું કામ કરતા સવિતાબેન અમૃતલાલ ખાણધર નામની મહિલાના મકાનમાં ગત તા. 21 ઓગસ્ટના સમયગાળામાં કોઇ અજાણ્યા શખ્સો પ્રવેશ્યા હતાં. ફરિયાદીના દિયર જેન્તીભાઇના રુમનો દરવાજો તોડી અંદર અભેરાઇ પર રાખેલી પેટીમાંથી ચાંદીની એક જોડી બંગડી, ચાંદીની લકકી, ચાંદીનો મોરવાળો ચેન, સોનાના બુટીયા તથા રુમમાં પડેલી ચાવી વડે ફરિયાદીના સાસુ લક્ષ્મીબેનનો રુમ ખોલીને તેમાથી કબાટમાં રાખેલા બે જોડી ચાંદીના સાંકળા, બે જોડી કંદોરો, સોનાની નથણી, એચ લખેલી ચાંદીની વીટી, રોકડા 40000થી કુલ મળી 68,200નો મુદામાલ ચોરી કરી ગયા હતાં.
જાણભેદુની શંકા : સવિતાબેન દ્વારા ગઇકાલે સિટીએ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ ચાવડાની સૂચનાથી પીએસઆઇ ગામેતી અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બે રુમમાંથી ચોરી થઇ છે જેમા ચાવીની મદદ લેવામાં આવી હોય આથી આ ચોરી પાછળ કોઇ જાણભેદુ હોવાની આશંકા દર્શાવવામાં આવી છે.
મીઠાપુરમાં ચોરોની હરકત : મીઠાપુરના ઇન્દિરાનગર વિસ્તારમાંથી રાત્રિના સમયે આરંભડાના બલભદ્રસિંહ ગુમાનસિંહ જાડેજા તથા આ જ વિસ્તારમાંથી અજીત કરીમ થૈયમ ને પોલીસે દુકાનોના તાળા તપાસતા ઝડપી લઇ, કલમ 122 (સી) હેઠળ કાર્યવાહી કરી હતી. તો મીઠાપુરના સુરજકરાડી વિસ્તારમાં આવેલી સોની બજારમાં લપાતા છુપાતા શંકાસ્પદ હાલતમાં ભોજા જીવણ હાથીયા નામના 55 વર્ષના શખ્સને પણ પોલીસે ઝડપી લીધો હતો.