- જામનગરના અલીયાબાડા તરફના રોડ પર બન્યો અકસ્માત
- અકસ્માતમાં શ્રમજીવી પરિવારની માળો પીંખાયો
- છરી-ચાકા સજાવી પરિવારનું પોષણ કરતા
જામનગર : સમગ્ર દેશમાં અનેક અકસ્માતોની ઘટનાઓ સામે આવે છે. જેમાં કોઈને કોઈ પરિવારને પોતાના પરિજનોને ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આવો જ એક અકસ્માતનો બનાવ જામનગરના ઠેબાથી અલીયાબાડા તરફ જતા રોડ પર બન્યો છે.જ્યાં પોતાના પરિવાર માટે મજુરીકામ કરી પેટનો ખાડો પુરતા ગરીબ વર્ગીય પરિવારના પિતા પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
અલીયા પાટીયા પાસે રહેતા મજૂર પરીવારમાં ઘેરો શોક
જામનગર તાલુકાના અલીયા બાડા પાટીયા પાસેના વિસ્તારમાં ઝુંપડુ બનાવી રહેતા અને પશુની લે વેંચ અને છરી-ચાકા સજાવવાના વ્યવસાય કરતા રઘાભાઇ ઘુડાભાઇ સિંધવ અને તેનો પુત્ર અજય બંને શુક્રવારે રાત્રે બાઇક પર જામનગરથી અલીયાબાડા પાટીયા તરફ જઇ રહ્યા હતા. ત્યારે ડબલ સવારી બાઇક અને અન્ય વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર 40 વર્ષીય રઘાભાઈ અને તેમનો 14 વર્ષીય પુત્ર અજય બંનેના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયા હતા.
પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ
બનાવના પગલે 108ની ટીમ તુરંત ઘટના સ્થળ પર દોડી ગઇ હતી. ચકાસણી દરમિયાન બંને પિતા-પુત્ર મૃત જણાયા હતા. સમગ્ર બનાવની જાણ પોલીસને થતા PSI ડી.પી. ચુડાસમા, યશપાલસિંહ જાડેજા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે અકસ્માત સર્જનારા વાહન ચાલકની શોધખોળ આદરવાની સાથે ફરીયાદ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. જયારે પિતા-પુત્રના મોત નિપજતા પરીવારમાં શોકનો માતમ છવાયો છે.