જામનગર: જિલ્લા જેલની અંદર રહેલા કેદીને પાન મસાલા પહોંચાડવા માટે લાંચની માગણી કર્યા પછી ACBની ટીમે ડમી વ્યકતિને મોકલી જેલ સહાયક તથા તેના વતી નાણા સ્વીકારનાર વચેટિયાને રંગેહાથ પકડી પાડયા હતા.
જામનગર ACBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદીઓને પાન મસાલા તેમજ અન્ય સવલતો આપવા માટે જિલ્લા જેલના કર્મચારીઓ દ્વારા કેદીઓના સગા સંબંધીઓ પાસેથી લાંચ પેટે રૂપિયા એક હજારથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીની ગેરકાયદેસર માંગણીઓ કરવામાં આવે છે.
જે માહિતીના આધારે એક જાગૃત નાગરિકને ડમી (ડિકોય) તરીકે હાજર રાખી તેનો સહયોગ મેળવ્યો હતો અને ડિકોયનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ડમી વ્યક્તિ (ડીકોય) ના સંબંધી જેલમાં હોવાથી જિલ્લા જેલના જેલ સહાયક સિધ્ધરાજસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉંમર વર્ષ 21- લોકરક્ષક વર્ગ 3 જામનગર) કે જેણે જેલની અંદર પાન મસાલા પહોંચાડવા માટે લાંચ પેટે બે હજાર રૂપિયાની માંગણી કરી હતી.
જેના આધારે આજે અંબર સિનેમા રોડ પર પાસે ડીકોયને બે હજારની ચલણી નોટ અપાઇ હતી.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ACBના PI એચ.ડી. પરમાર અને તેમના સ્ટાફએ સહાયક વતી નાણા સ્વીકારનાર જામનગરનો પ્રજાજન દુષ્યંતસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા રંગે હાથ પકડાઈ ગયો હતો. ACBની ટીમે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.