જૂનાગઢમાં રહેતા પૂર્વ આરોગ્યપ્રધાન હેમાબેન આચાર્ય એ પણ સુષ્મા સ્વરાજ સાથેની તેમની ઘનિષ્ઠતા અને તેમની સાથે કરેલા કામોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. એક સમયે જનસંઘ અને ત્યાર બાદ ભાજપમાં સાથે કામ કરી ચૂકેલા હેમાબેન આચાર્ય અને સુષ્મા સ્વરાજ સાથે ઘણી વખત રાજકીય અને સામાજિક રીતે મુલાકાતો થઈ હતી. આ મુલાકાતો દરમિયાન બંને મહિલા અગ્રણીઓ એકબીજાને ખૂબ નિકટતાથી પરિચયમાં આવ્યા ત્યારે જનસંઘ કે સરકાર દ્વારા સોંપવામાં આવતી કોઈ પણ કામગીરીને બંને મહિલાઓએ બખૂબી નિભાવી હતી.
1992માં લોકસભાની ચૂંટણીના સમય દરમિયાન સુષ્મા સ્વરાજ જુનાગઢ આવ્યા હતા. તે સમયે પણ હેમાબેન આચાર્ય અને સુષ્મા સ્વરાજ વચ્ચે ખૂબ લાંબી ચર્ચાઓ અને બેઠક થઇ હતી. સુષ્મા સ્વરાજના જૂનાગઢમાં રોકાણ દરમિયાન ચૂંટણીની રણનીતિને લઈને પણ ડોક્ટર હેમાબેન અને સુષ્મા સ્વરાજ વચ્ચે અનેક બાબતોને લઈને રણનીતિ પણ બનાવવામાં આવી હતી. રાજકીય જીવનની સાથે સામાજિક જીવનના ખાટા-મીઠા સ્મરણો અને આજે હેમાબેન આચાર્ય વાગોળીને સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ અર્પી હતી.