- પ્રધાન હસ્તે લાભાર્થીઓને રેશનકાર્ડ અર્પણ કરાયા
- રાજ્યના 10 લાખ નવા રેશનકાર્ડધારકો એન.એફ.એસ.એ. અંતર્ગત ઉમેરાયા
- માનવીના પેટની આગ ઠારવી એ માનવ કલ્યાણનું ઉચ્ચતમ કાર્ય
જામનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજયના 101 તાલુકાઓમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ નવા 10 લાખ કુટુંબોના 50 લાખ લાભાર્થીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અભિવાદન કાર્યક્રમના ભાગરૂપે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા ખાતે કૃષિપ્રધાન આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
અન્ય દેશની સરખામણી ભારતમાં કોરોના કેસ ઓછા
આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા કૃષિપ્રધાન આર.સી.ફળદુએ જણાવ્ચું હતું કે, આજનો કાર્યક્રમ જામનગર જિલ્લા માટે આશિર્વાદ રૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે રાષ્ટ્રીય અન્ન કાયદાને લાગુ કરી દેશનો કોઈ પણ નાગરિક ભૂખો ન સુવે તે માટેની વ્યવસ્થા ઉભી કરી છે. વધુમાં તેમણે કહ્યું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 10 લાખ પરિવારના 50 લાખ લાભાર્થીઓને સીધો લાભ આપવા તથા તમામને કાયદા હેઠળ સમાવી લેવા માટે સઘન આયોજન કર્યુ છે. હવે લોકોને કામના સ્થળે તથા શહેરની બહાર કે બીજા રાજ્યમાં હોય તો પણ તેને આ લાભ મળશે. તેમણે કહ્યું કે, માનવીના પેટની આગ ઠારવી એ માનવ કલ્યાણનું ઉચ્ચતમ કાર્ય છે. આજે મુખ્યપ્રધાન દ્વારા આ પગલું લઇ સંવેદનશીલતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરુ પાડવામાં આવ્યું છે. આ સાથે જ પ્રધાને કોરોના સંદર્ભે વાત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કોરોનાના કપરા સમયગાળા દરમિયાન જે રીતે તબક્કાવાર આયોજન કરવામાં આવ્યુ અને યોગ્ય નિર્ણયો લેવાયા તેનાથી કોરોના કાબૂમાં આવ્યો છે. સરકારે જે નિર્ણયો લીધા તે પ્રજાના સુખાકારીને ધ્યાનમાં લઈને લીધા છે. જેથી અન્ય દેશ અને રાજ્યની સરખામણીમાં આપણા દેશ અને રાજ્યમાં કોરોનાના કેસ ઓછા જોવા મળ્યા છે.
રાજ્યના 10 લાખ નવા રેશનકાર્ડધારકો એન.એફ.એસ.એ. અંતર્ગત ઉમેરાયા
પ્રધાને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ તમામ કુટુંબોને આવરી લેતી આ યોજનાને લઈને ક્હ્યું કે, આ યોજનાનો લાભ લાખો લોકોને મળ્યો છે. લોકડાઉન દરમિયાન જામનગર જિલ્લામાં આ અભિયાન હાથ ધરી તમામ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા.
માનવીના પેટની આગ ઠારવીએ માનવ કલ્યાણનું ઉચ્ચતમ કાર્ય
આ યોજનાથી છેવાડા વિસ્તારોના નાગરિકોને પણ લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે 8 મહિના સુધી લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે લોકડાઉન દરમિયાન લોકોને મુશ્કેલી ન પડે તેની ચિંતા રાખી હતી. કોરોનાના કપરા સમયમાં જિલ્લા વહીવટી તંત્રએ પણ લોકો સુધી અન્ન પહોંચાડવાની કામગીરી કરી નાગરિકોને કોઈપણ મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખી હતી.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જિલ્લા મહામંત્રી લખધીરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, પ્રાંત અધિકારી ધ્રોલ હેતલ જોશી, અન્ય મહાનુભાવો- અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા.