- સોમનાથ મંદિરની ભવ્યતામાં ઉત્તરોત્તર વધારો
- મંદિર પરના 1,500 જેટલા કળશ સ્વર્ણના બનશે
- શિખર પર 66 કળશ કરાયા સુવર્ણમંડિત
- 400થી વધુ કળશનું થયું બુકિંગ
ગીર સોમનાથ: કરોડો લોકોની આસ્થાના કેન્દ્રબિંદુ સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો સુવર્ણ યુગ ફરી પાછો આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સોમનાથ મંદિર પરના 1,500 જેટલા પથ્થરના નક્ષીકામ કરેલ કળશને સુવર્ણ મંડિત કરવા માટે સોમનાથ ટ્રસ્ટે કરેલા આહ્વાનમાં 400થી વધુ દાતાઓએ કળશ નોંધાવ્યા છે. જેમાંના 66 કળશને સોનાથી મઢવામાં આવ્યા છે.
શું છે કળશનું મૂલ્ય અને કેમ બને છે કળશ?
સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1,11,000ના નાના કળશ, 1,21,000ના મધ્યમ કળશ અને 1,51,000ના મોટા કળશનું અનુદાન નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 400થી વધારે કળશના દાન માટે દાતાઓએ નોંધણી કરાવી છે. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત રામ મંદિર ખાતે અમદાવાદની સંસ્થા દ્વારા કળશના માપના તાંબાના બીબા તૈયાર કરીને તેમને સોનાથી મઢવામાં આવે છે અને તેમના પર જરૂરી કેમિકલ ક્રિયા કરીને તેને દાતાઓની પૂજા બાદ મંદિર પર લગાવવામાં આવે છે.
કોવિડ-19 વચ્ચે કઈ રીતે થાય છે દાતાઓ દ્વારા પૂજા?
કોરોનાની મહામારીને કારણે દાતાઓ સોમનાથ રૂબરૂ આવીને પૂજામાં ભાગ ન લઈ શકવાને કારણે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલ રીતે વીડિયો કૉલ અથવા ઝૂમ એપના માધ્યમથી દાતાઓને પૂજા અને સંકલ્પ કરાવવામાં આવે છે. ત્યારબાદ બ્રાહ્મણો દ્વારા પૂજા કાર્ય કર્યા પછી કળશને મંદિરના શિખર પર મઢવામાં આવે છે.
મંદિરનો ઈતિહાસ
સોમનાથનું પહેલું મંદિર 2000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. ઇ.સ. 649ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું હતું. 725ની સાલમાં સિંઘના આરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો.
1026માં મંદિરમાં લુંટ કરાય
પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ 815માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું હતું. 1026ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી. લુંટ કર્યા બાદ મંદિરના અસંખ્ય યાત્રાળુઓનું કતલ કરી અને મંદિરને સળગાવી વિનાશ કર્યો.
રાજા રાવણે રજતનું મંદિર બનાવેલું, રાજસૂય યજ્ઞ પછી સમ્રાટ યુધિષ્ઠિરે સુગંધી ચંદન કાષ્ટનું વિશાળ શિવમંદિર બનાવેલું હતું. કાળાંતરે અનેક સમ્રાટો, મહારાજ ભોજ, રાજા ભીમે, રાજા મહીપાલે શિવમંદિર બનાવ્યું અને ગજનીના મહંમદે, અલાઉદ્દીન ખીલજી, મહંમદ બેગડો, મોગલશાહ ઔરંગઝેબે ધર્મની અસહીષ્ણુતાથી રત્નો અને સંપત્તિયુક્ત મંદિરો તોડીને લુંટ્યા છે. તેનો નાશ કર્યો છે. સમયાંતરે ભારતની સંસ્કૃતિએ ભગવાન શંકરના આ સનાતન જ્યોતિર્લીંગની અહીં ફરી સ્થાપના કર્યા જ કરી છે.
સોમનાથના મંદિરો હજારો વર્ષમાં વારંવાર બન્યા
સોમનાથ મહાદેવનું પ્રાંગણથી થોડે દુર રાણી અહલ્યાબાઈનું સ્થાપેલું સોમનાથનું જૂનું શિવ મંદિર આવેલું છે. મોગલોના પતન પછી મરાઠા સરદાર ધનાજી જાદવે સૌરાષ્ટ્ર સર કર્યું, ત્યારે ઈંદોરના હોલકર મહારાણી અહલ્યાબાઈએ પુરાણા ખંડિત શિવમંદિરથી થોડે દુર સોમનાથનું આ શિવમંદિર ઈ. સ. 1783માં બંધાવ્યું હતું. નીચે ભૂગર્ભમાં ભવ્ય શિવલીંગ સહ ઉમાની કાળાપાષણની મૂર્તિના દર્શન અને પૂજન કરવાનો બેવડો લાભ યાત્રિક જાતે જ લઈ શકે છે. સોમનાથના મંદિરો હજારો વર્ષમાં વારંવાર બન્યા છે.
મંદિરમાં પવિત્ર જ્યોતિ પ્રજવ્વલિત થઇ
દિવારો પર મહંમદ ગઝનવીની તલવારો ખજાનો લૂંટવા મ્યાનમાંથી બહાર સરકી ગઇ હતી, પરંતુ કહેવાય છે કે ભલે મહમદ ગઝનવીનો વાર આ મંદીર પર વજ્ર સમાન હોય પણ તેની સામે ભક્તોની આસ્થા એટલી ઉંડાણભરી હતી કે આ મંદીર ફરી ગુલઝાર થઇ ગયું. શિવલીંગને ફરી મંદીરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવ્યું ફરી એક વાર મંદિરમાં પવિત્ર જ્યોતિ પ્રજવ્વલિત થઇ ગઇ.