- સોનપરા ગામમાં 12 દિવસથી વીજળી ન હોવાથી ગ્રામજનો ટળવળીયા
- ગામમાં 12 દિવસમાં 10 લોકોના થયા મૃત્યુ
- વીજળી ન હોવાના કારણે અનેક લોકો બિમારીમાં સપડાઈ મોતને ભેટી રહ્યાનો સરપંચનો આક્ષેપ
ગીર સોમનાથ : વાવાઝોડાએ ગીર ગઢડા- ઉના તાલુકાના ગામોના લોકોનું જનજીવન ખોરવી નાંખ્યુ છે. વાવાઝોડાના 12 દિવસ બાદ પણ બન્ને તાલુકાના અનેક ગામોમાં હજુ પણ અંધારપટ છવાયેલો છે અને હજુ વિજ પુરવઠો પૂર્વવ્રત થયો ન હોવાથી ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વીજ સમસ્યાના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા ગીર જંગલની બોર્ડર નજીક આવેલા ગીરગઢડા તાલુકાના સોનપરા ગામના 4 હજારથી વધુ ગ્રામજનો વીજળી વિના ટળવળી રહ્યા છે. ગામના સરપંચના જણાવ્યા મુજબ ધોમધખતાં ઉનાળાની અસહ્ય ગરમી અને ઉકળાટ અને ગામમાં વીજળી ન હોવાના કારણે લોકોના બ્લડપ્રેશર હાઇ થઇ રહ્યા છે. ગામમાં વીજળી વગર છેલ્લા 12 દિવસમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે તંત્ર વ્હેલી તકે ગામમાં વીજ પુરવઠો પૂર્વવ્રત કરે તેવી માંગણી કરી રહ્યા છે.
આ પણ વાંચો : કોડીનાર આહિર યુવક મંડળે સમુહ લગ્ન રદ કરવાનો કર્યો નિર્ણય
ગ્રામજનો અતિ દયનિય સ્થિતિમાં મૂકાયા
21મી સદીમાં હરણફાળ ભરતા દેશ અને ગુજરાતમાં આજે પણ અનેક ગ્રામ્ય વિસ્તારમાં લોકો અંધકારમય જીવન વ્યતીત કરવા મજબૂર છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના સોનપરા ગામમાં અંદાજે 4500 લોકો રહે છે. વાવાઝોડાના કહેરના કારણે સોનપરા ગામમાં 12- 12 દિવસથી વીજ પુરવઠો ખોરવાયેલો હોવાથી ગ્રામજનો અતિ દયનિય સ્થિતિમાં મૂકાયા છે. વાવઝોડું તો ક્ષણીક સમયમાં તારાજી સર્જી ચાલ્યું ગયું હતું, પરંતુ ત્યારબાદ સોનપરાના વ્યથિત થયેલા ગ્રામજનોની વેદના ઠાલવતા ગામના સરપંચ દાનાભાઇ ડોડીયાએ જણાવ્યું હતું કે, આજે 12- 12 દિવસથી અમારા ગામમાં લાઈટ ન હોવાથી અંધારપટ છે, ત્યારે હાલ ઉનાળાના ધોમધખતા તાપ અને અસહ્ય ગરમીના કારણે અનેક લોકો બ્લડપ્રેશર સહિતના રોગોને કારણે બીમાર પડી રહ્યા છે. જેમાં અંધારપટના છેલ્લા 12 દિવસમાં અમારા ગામમાં 10 લોકોના મૃત્યુ થયા છે.
આ પણ વાંચો : કોડીનાર પંથકમાં કૃષિ માટે વીજળી મેળવવા ખેડૂતો બન્યા આત્મનિર્ભર
લાઈટ ન હોવાથી સાંજે પાંચ વાગ્યે રસોઈ બનાવી છ વાગ્યા પહેલા જમી લેવું પડે છે : સ્થાનિક ગૃહિણી
સોનપરા ગામની ગૃહિણીએ વેદના ઠાલતા જણાવ્યું હતું કે, ઉનાળાના અસહ્ય ઉકળાટમાં બાળકોને સાચવવા દોહલા બન્યા છે. તો લાઈટ ન હોવાથી સાંજે પાંચ વાગ્યે રસોઈ બનાવી છ વાગ્યા પહેલા જમી લેવું પડે છે. વધુમાં અમારૂ ગામ ગીર જંગલ નજીકનું હોવાથી સિંહ - દિપડા જેવા વન્ય પ્રાણીઓ પણ ગામમાં આવી ચડતા હોવાથી ફરજિયાત રાત્રીના સમયે ઘરમાં જ પુરાઈ જવું પડે છે. હાલ તો વીજળી વેરણ બનતા સોનપરા ગામના લોકો બેહાલ બન્યા છે અને સરકાર અને તંત્રને વહેલી તકે વીજ પુરવઠો આપવા કાકલૂદી કરી રહ્યા છે.