જૂનાગઢ/સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાય રહેલા સોમેશ્વર મહાદેવ અને સોમનાથ ટ્રસ્ટના તીર્થ ક્ષેત્રનો પાછલા ત્રણ દસકા દરમિયાન ક્રમશઃ વિકાસ થયો છે. યાત્રી સુવિધાઓ અને દર્શન તેમજ ભોજન પ્રસાદની સાથે લોકો મુક્ત મનથી મહાદેવના દર્શન કરવાની સાથે પ્રકૃતિનો આનંદ પણ માણી શકે તે માટેના અનેક પ્રકલ્પોનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ સોમનાથ મંદિર પરીસર અને સમગ્ર પ્રભાસ તીર્થ ક્ષેત્રના વિકાસને નવો આયામ મળ્યો છે.
આ પણ વાંચોઃ Kutch Rann Utsav: રણોત્સવમાં 1.94 લાખ પ્રવાસી આવતા તંત્રને થઈ 2 કરોડની આવક
અનેક સુવિધાઓ છેઃ આજે સોમનાથ તીર્થમાં ધર્મની સાથે લોકો પર્યટનની પણ મજા લઈ શકે તે માટેના અનેક નવા પ્રકલ્પો લોકોની સુવિધા માટે ખુલ્લા મુકાયા છે. જેમાં ભોજન થી લઈને પ્રસાદ હરવા ફરવાથી લઈને રહેવા માટેની તમામ સુવિધાઓ અહીં આવતા દેશ-વિદેશના યાત્રિકોની જરૂરિયાતોને ધ્યાને રાખીને બનાવવામાં આવી રહ્યા છે. જેમાં પણ હજુ કામ શરૂ રખાયું છે. આગામી દિવસોમાં વધુ પણ કેટલાક નવા પ્રકલ્પોનું લોકાર્પણ યાત્રી સુવિધાને ધ્યાને રાખીને કરવાનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાઈ રહ્યું છે. જે ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શન નીચે ચાલી રહ્યું છે.
લાખો શિવભક્તો કરે છે દર્શનઃ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં શિવ ભક્તો આવતા હોય છે પરંતુ શ્રાવણ મહિનામાં કિડીયારુ ઉભરાઈ તે પ્રકારે શિવ ભક્તો સોમનાથ દાદાના દર્શને આવતા હોય છે. ઉનાળા અને ચોમાસા દરમિયાન યાત્રીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે મંદિર પરિસરમાં વિશેષ ટેન્ટ ઉભા કરાયા છે. જે તડકા અને વરસાદની સ્થિતિમાં યાત્રિકોને સુરક્ષા પુરી પાડી શકે વધુમાં ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરને ફરતે દોઢ કિલોમીટર લાંબો સમુદ્ર દર્શન વકવે પણ દર્શનાર્થીઓની સુવિધા માટે ખુલ્લો મુક્યો છે. અહીંથી ચાલતા ચાલતા પ્રત્યેક શિવ ભક્ત વિશાળ સોમનાથ મંદિરના દર્શન કરવાની સાથે દરિયાદેવના દર્શન પણ કરી શકે છે.
રોકાણ અંગે વ્યવસ્થાઃ તંદુરસ્તીને ધ્યાને રાખીને સાયકલ ચલાવવા માંગતા યાત્રિકો માટે સાયકલની પણ વ્યવસ્થા કરાય છે. નજીવા દરે ભક્તોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સાગર દર્શન મહેશ્વરી અને લીલાવતી ભવન યાત્રિકોની રહેવાની સુવિધાને ધ્યાને રાખીને બનાવ્યા છે. પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના યાત્રિકો માટે બિલકુલ સામાન્ય કહી શકાય તે માટે પ્રતિ દિવસ 90 રૂપિયાના દરે રહેવાની વ્યવસ્થા પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. સોમનાથ અને વેરાવળ રેલવે સ્ટેશનથી સોમનાથ દર્શન કરવા માટે આવતા યાત્રિકો માટે ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક બસ વ્યવસ્થાપન કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ G20 Summit in Gujarat : કચ્છના રણમાં આ તારીખે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ,
પરિવહન સેવાઃ દેશ-વિદેશના યાત્રિકોની સંખ્યાને ધ્યાને રાખીને સોમનાથને હવાઈ સેવા સાથે પણ જોડવામાં આવ્યું છે. દિવ-સોમનાથ વચ્ચે હેલિકોપ્ટર સેવા પણ શરૂ કરાય છે. જેનો લાભ પણ સોમનાથ દર્શન માટે આવતા દેશ-વિદેશના અને ખાસ કરીને વયોવૃદ્ધ લોકો માટે આશીર્વાદ સમાન બની રહી છે. આ ઉપરાંત સોમનાથ રેલવે લાઈન સાથે પણ જોડાયેલું છે. જ્યારે રાજ્ય પરિવહન વિભાગની સારી એવી બસ અહીંથી ઉપડે છે અને મહાનગર સુધી જાય છે.