ગીર સોમનાથ : કોડીનાર તાલુકાના સમસ્ત પેઢાવાળા ગામમાં આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1111 યુનિટ રક્તદાન થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેની સામે સાંજના પાંચ વાગ્યા સુધીમાં આ લક્ષ્યાંક પૂર્ણ થઈ જતાં 1500 જેટલી લોહીની બોટલ એકત્ર થાય તેવો વિશ્વાસ ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો.
મહારક્તદાન કેમ્પનું આયોજન : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પેઢાવાળા ગામે આજે સૌથી મોટું કામ પાર પાડ્યું છે. નાનકડા ગામમાં આજે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 1111 જેટલી લોહીની બોટલ રક્તદાન થકી પ્રાપ્ત થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. ત્યારે બપોરના 12:00 વાગ્યા સુધીમાં જ 650 બોટલ લોહી રક્તદાન થકી પ્રાપ્ત થયું છે. રક્તદાન કેમ્પ સાંજના પાંચ વાગ્યા સુધી ચાલશે ત્યારે અંદાજે 1500 જેટલી બોટલ લોહી રક્તદાન થકી પ્રાપ્ત થાય તેવી આશા છે.
રક્તદાન એ મહાદાન : આજના કેમ્પ થકી એકત્ર થયેલું લોહી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની રેડક્રોસ, ગજેરા નવજીવન નાથાણી સહિત સાત બ્લડ બેંકને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ થકી એકત્ર થયેલું લોહી થેલેસેમિયા અને મહિલા સંબંધી બીમારી સહિત અકસ્માત અને અન્ય આકસ્મિક કિસ્સામાં ઉપયોગમાં લેવામાં આવશે.
કોની યાદમાં આ આયોજન ? વર્ષ 2021 થી લઈને 2023 સુધી સમસ્ત પેઢાવાળા ગામના 10 જેટલા વ્યક્તિના અવસાન થયા છે. આ તમામ વ્યક્તિઓની યાદમાં શ્રદ્ધાંજલિ રૂપે સમસ્ત ગામ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ખૂબ જ ઉત્સાહ સાથે 400 જેટલી મહિલા રક્તદાતાઓેએ પણ લોહીનું દાન કરીને એક અનોખું અને આદર્શ ઉદાહરણ પણ રજૂ કર્યું છે.
1,500 યુનિટ રક્તદાનની આશા : સમસ્ત પેઢાવાળા ગામ દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પના કાર્યકર દિનેશભાઈ સોલંકીએ વિગત આપતાં જણાવ્યું હતું કે, ગામ સમસ્ત માનવ સેવાનું કોઈ કામ થઈ શકે તે માટે ગામના સ્વજનોની યાદમાં અને તેની શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં અમારી ધારણા હતી કે 1111 બોટલ લોહીની પ્રાપ્ત થશે. પરંતુ ગામ સમસ્તનો રક્તદાન પ્રત્યે જે ઉત્સાહ જોવા મળ્યો છે તેના કારણે આજે સાંજના પાંચ વાગ્યા સુધીમાં 1,500 બોટલ લોહી રક્તદાન થકી પ્રાપ્ત થવા જઈ રહ્યું છે.
મહિલાઓએ કર્યો કમાલ : ગામના અન્ય એક આગેવાન અરશીભાઈ ઝાલાએ પણ રક્તદાન કેમ્પને લઈને વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગામ સમસ્ત આયોજિત થયેલા આ રક્તદાન કેમ્પમાં યુવાનો અને પુરુષોની સાથે મહિલાઓએ પણ ખૂબ જ ઉમળકાભેર રક્તદાન કેમ્પમાં ભાગ લીધો છે. આજે દિવસ દરમિયાન 400 જેટલી મહિલાઓ રક્તદાન કેમ્પમાં ભાગ લઈને ઘરની જવાબદારી સાથે સામાજિક જવાબદારીમાં પણ પુરુષોથી આગળ નીકળતી જોવા મળશે.