સોમનાથ : સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત સોમનાથ શોપિંગ સેન્ટરના નાના વેપારીઓ પાછલા એક અઠવાડિયાથી મંદિરમાંથી બહાર નીકળવાના માર્ગ ખોલવાને લઈને રજૂઆતો કરી રહ્યા હતાં. પરંતુ આજ દિન સુધી દર્શનાર્થીઓને બહાર નીકળવાનો જૂનો માર્ગ નહીં ખોલવામાં આવતા આજથી 90 જેટલા દુકાનદારો સોમનાથ મંદિર સમક્ષ અનિશ્ચિત સમય માટે મૌન ધરણા પર ઉતરી ગયા છે.
સોમનાથમાં નાના વેપારીઓ મૌન ધરણા પર : એક અઠવાડિયાથી સોમનાથ મંદિર ટ્રસ્ટ હસ્તકના સોમનાથ શોપિંગ સેન્ટરના 90 જેટલા નાના વેપારીઓ મંદિરમાંથી દર્શન કરીને દર્શનાર્થીઓ માટે બહાર નીકળવાના માર્ગ ખોલવાની લઈને સોમનાથ ટ્રસ્ટની સાથે જિલ્લા પોલીસ અધિક્ષક અને કલેક્ટરને પણ રજૂઆતો કરી હતી. પરંતુ પાછલા એક અઠવાડિયા દરમિયાન અધિકારીઓને કરવામાં આવેલી રજૂઆતો બાદ પણ આજ દિન સુધી મંદિરમાંથી દર્શનાર્થીઓને બહાર નીકળવાનો જૂનો માર્ગ નહીં ખોલવામાં આવતા આજથી સોમનાથ શોપિંગના તમામ વેપારીઓ અનિશ્ચિત સમય સુધી મૌન ધરણા પર બેસી ગયા છે.
હજુ સુધી દરવાજો ખોલવામાં આવ્યો નથી જેને કારણે અમારા વેપાર ધંધા ઠપ થઈ ગયા છે. પાછલા આઠ દિવસથી દુકાનમાં એક ગ્રાહક ખરીદી કરવા માટે આવ્યો નથી. તાકીદે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરવાજો ખોલવાને લઈને કોઈ અંતિમ નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરી છે... અશોકભાઈ (સ્થાનિક વેપારી)
દરવાજો બંધ થતાં વેપાર થયો ઠપ્પ : સોમનાથ મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળતા દર્શનાર્થીઓ સોમનાથ શોપિંગ સેન્ટર સામે બહાર નીકળતા હતા જેને કારણે શોપિંગ સેન્ટરમાં આવેલા 90 કરતાં વધુ દુકાનદારો તેમની રોજગારી મેળવી રહ્યા હતા. પરંતુ દરવાજો બંધ થતાં આજે 90 જેટલા વેપારીઓ બેરોજગાર બની ગયા છે. પાછલા એક અઠવાડિયા દરમિયાન એક પણ ગ્રાહક દુકાનમાં ખરીદી કરવા માટે આવ્યો નથી જેને કારણે વેપારીઓ ખૂબ મૂંઝવણમાં મુકાયા હતા.
વેપારીઓએ આપ્યો પ્રતિભાવ : સોમનાથ શોપિંગ સેન્ટર સોમનાથ મંદિર ટ્રસ્ટની માલિકીનું છે. અહીંના વેપારીઓ પાસેથી સોમનાથ ટ્રસ્ટ દુકાનનું ભાડું પણ મેળવે છે. ત્યારે અહીં દુકાન ધરાવતા દુકાનદાર અશોકભાઈએ ઇટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે દરવાજો ફરીથી ખોલવાને લઈને સોમનાથ ટ્રસ્ટ બાદ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલાની જાણ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે.
સોમનાથ ટ્ર્સ્ટ ચેરમેન છે નરેન્દ્ર મોદી : આ બાબતે સોમનાથ મંદિર ટ્રસ્ટનું હાલમાં કોઈ સત્તાવાર નિવેદન પ્રાપ્ત થઇ શકે તેમ નથી. સોમનાથ ટ્ર્સ્ટના ચેરમેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. જેનાથી પીએમઓ કાર્યાલયમાંથી સૂચના મળ્યાં બાદ કોઈ આધિકારીક નિવેદન મળે તેવી શક્યતા છે. ત્યારે દરવાજો ખોલવો કે નહીં તેનો નિર્ણય પણ વડાપ્રધાન કાર્યાલયમાંથી આદેશ આવ્યા બાદ જ થઈ શકે છે.