સોમનાથ : આગામી 21મી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે લોકો યોગ પ્રત્યે જાગૃત બને તેમજ યોગને દૈનિક જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બનાવે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે આજે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા એક દિવસીએ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગાસન વિભાગમાં મહારત પ્રાપ્ત કરેલા યોગાચાર્ય અને ટ્રેનરોની હાજરીમાં લોકોને યોગ પ્રત્યેનું માર્ગદર્શન અને યોગના સિદ્ધાંતો શીખવાડવામાં આવ્યા હતાં.
વિવિધ આસનો શીખવાડાયાં : આજની એક દિવસીય યોગ શિબિરનું આયોજન સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સૂર્ય નમસ્કાર પ્રાણાયામ પર્વતાસન નૌકાસન જેવા વિવિધ આસનો ટ્રેનરો અને યોગચાર્યો દ્વારા લોકોને શીખવાડવામાં આવ્યા હતાં. વિવિધ યોગના આસનો અને પ્રાણાયામથી લોકોમાં જાગૃતિ આવે તે માટે પણ આ આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 21મી તારીખે 9મી વખત વિશ્વ યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે.
આવનારો યોગ દિવસ સર્વે ભવન્તુ સુખીન સર્વે સંતુ નિરામયાના સૂત્રને અનુસરીને ઉજવવામાં આવશે. યોગને દૈનિક જીવનનો ભાગ વિશ્વના મોટાભાગના દેશો હવે અપનાવતા થયા છે. ત્યારે ભારત દ્વારા સમગ્ર વિશ્વને યોગ ક્રિયાઓ દ્વારા લાભપ્રદ આરોગ્ય મેળવી શકાય છે તેનું દ્રષ્ટાંત પણ પૂરું પાડ્યું છે... દુર્ગાપ્રસાદ ત્રિવેદી (યોગ એક્સપર્ટ)
યોગ એક્સપર્ટ દુર્ગા પ્રસાદ ત્રિવેદીએ કરી વાત : 21 જૂનના દિવસે નવમો વિશ્વ યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે યોગ ક્ષેત્રમાં ખૂબ જ મહારત પ્રાપ્ત કરેલા દુર્ગા પ્રસાદ ત્રિવેદીએ આવનારી 21મી જૂનના દિવસે સૌ કોઈ એક સાથે યોગ ક્રિયામાં જોડાઈ અને શરીરને નીરોગી અને તંદુરસ્ત રાખે તે માટે પણ યોગ ક્રિયામાં જોડાવું જોઈએ તેવા આગ્રહ સાથે વિનંતી કરી હતી.