ગીર સોમનાથ : તાલાલા તાલુકાના ધાવા ગીર ગામના ખેડૂત જશવંત રોલાએ પોતાની બંજર, બિન ઉપજાવ ખેતીની જમીનમાં કાજુનું સફળતાપૂર્વક વાવેતર કરીને લાંબા ગાળે સફળતા મેળવી છે. પહાડી વિસ્તારમાં ઢોળાવ પર આવેલી બંજર જમીનમાં આંબા સહિત અન્ય કોઈ કૃષિ પાક લઈ શકાતો ન હતો, ત્યારે આજથી 17 વર્ષ પૂર્વે યશવંત રોલાએ પોતાની માલિકીની બિન ઉપજાવ ખેતીલાયક જમીનમાં મહારાષ્ટ્રના પાલઘરથી 800 જેટલા કાજુના ઝાડનો વાવેતર કર્યો હતો. જેમાં વાતાવરણની પ્રતિકૂળતાને કારણે 700 કરતાં વધુ કાજુના ઝાડ નષ્ટ થયા હતા. પરંતુ 80 જેટલા ઝાડ તંદુરસ્ત થતા આજે તેમાંથી 320 જેટલી કલમ તૈયાર થઈ છે. હવે તેમાં કાજુનું ઉત્પાદન પણ ધીમે ધીમે થઈ રહ્યું છે.
એક વીઘામાં 1.5 લાખ સુધીની આવક : એક વીઘામાં અંદાજિત એકથી દોઢ લાખ રૂપિયાના કાજુનું ઉત્પાદન આવી શકે છે. જે કેરીના ઉત્પાદન કરતા આજે પણ વધુ મનાઈ રહ્યું છે, પરંતુ કાજુના માર્કેટિંગને લઈને સૌરાષ્ટ્રમાં કોઈ પણ પ્રકારની નક્કર વ્યવસ્થા આજે જોવા મળતી નથી. જેથી કાજુનું વ્યાવસાયિક ધોરણે વાવેતર અને ઉત્પાદન કરવું વર્તમાન સમયમાં થોડું મુશ્કેલ જણાઈ રહ્યું છે, પરંતુ આ પ્રકારે ખેડૂતો બાગાયત પાકોમાં વિવિધતાને લઈને જો કાજુની ખેતી પ્રત્યે આગળ આવે તો બની શકે કે આ વિસ્તાર કેરીની સાથે કાજુની ખેતી માટે પણ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બની શકે છે.
વીઘામાં આંબા કરતાં કાજુ વધુ : કાજુના વાવેતરને લઈને ખેડૂત યશવંત રોલાએ જણાવ્યું હતું કે, તેમની 17 વર્ષની મહેનત બાદ આજે તેઓ કાજુની ખેતી કરવામાં સફળ રહ્યા છે, પરંતુ આ વિસ્તારમાં બાગાયતી પાક તરીકે કાજુના વાવેતરને સફળતા મળશે કે કેમ તેને લઈને કૃષિ નિષ્ણાતો પણ સંપૂર્ણ આસવસ્થ ન હતા. પણ આજે 17 વર્ષની ખૂબ ધીરજ સાથેની મહેનત કરીને કાજુની ખેતીમાં નામના અપાવી છે. સામાન્ય રીતે ગીર વિસ્તારને કેરીના વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે એક વીઘામાં આંબાના 16 ઝાડના વાવેતરની સામે કાજુના 40 જેટલા ઝાડ વાવી શકાય છે. આટલી મોકળાશ વાળી કાજુની ખેતી ગીરમાં કરીને જશવંત રોલાએ બાગાયતી પાકમાં વિવિધતા નામે છોડનું રોપણ કર્યું છે.
કેરી કરતા કાજુમાં વળતર વધુ : કાજુના વળતરને લઈને ખેડૂત યશવંત રોલા જણાવે છે કે, કાજુનું એક ઝાડ વર્ષ દરમિયાન ચારથી પાંચ હજારની આસપાસ આર્થિક વળતર રળી આપે છે. તેની વિઘા સાથે સરખામણી કરીએ તો પ્રતિ એક વીઘામાં 40 જેટલા કાજુના ઝાડ અંદાજિત દોઢ લાખ સુધીનો વળતર અપાવે છે. આટલું વળતર આંબાની ખેતીમા કેરીના ઉત્પાદનમાં જોવા મળતું નથી. આ વર્ષે વાતાવરણની પ્રતિકૂળતાને કારણે 80 જેટલા કાજુના ઝાડમાંથી ચાર ગુણી મળીને અંદાજિત 80 કિલોની આસપાસ કાજુનું ઉત્પાદન થયું છે. વર્તમાન સમયમાં કાજુના પ્રતિ કિલોના ભાવ 850ની આસપાસ જોવા મળે છે. જેને કારણે ઉત્પાદન ઓછું છતાં વધુ ભાવ હોવાને કારણે ખેડૂત સારું વળતર મેળવી રહ્યા છે.
આ પણ વાંચો : Bhagwant Mann: દિલ્હી અને પંજાબ સરકાર ગુજરાતના ખેડૂતો પાસેથી ખરીદશે ડુંગળી - ભગવંત માન
કાજુની વ્યવસાય ખેતીને મળશે પ્રોત્સાહન : એવું પણ જાણવા મળ્યું કે, કાજુની વ્યવસાયિક ખેતીને પ્રોત્સાહન મળે તેવા દિવસો હવે નજીક આવતા જોવા મળે છે. હાલ એકલ દોકલ ખેડૂતો દ્વારા કાજુનું વાવેતર કરીને ઉત્પાદન કરાયું છે, પરંતુ ગીર વિસ્તારમાં વ્યવસાયિક ધોરણે કાજુની ખેતી કરવી વર્તમાન સમય અને સંજોગોને કારણે થોડી મુશ્કેલ જણાય રહી છે. આપણા વિસ્તારમાં બાગાયતી પાકોના પ્રોસેસિંગને લઈને અને ખાસ કરીને કાજુના પ્રોસેસિંગ તેમજ તેને બજાર મળી રહે તે માટેની કોઈ નક્કર વ્યવસ્થા આજે જોવા મળતી નથી. જેને કારણે આજના દિવસે ગીર વિસ્તારમાં કાજુની વ્યવસાયિક ખેતી કરવી મુશ્કેલ જણાય રહી છે, પરંતુ આગામી દિવસોમાં કાજુની ખેતીનો વાવેતર વિસ્તાર વધે અને તેનું વ્યવસાયિક ધોરણે ઉત્પાદન થાય તો કાજુના પ્રોસેસિંગ યુનિટ પણ આવી શકે છે. આ તમામ શક્યતાઓ છે. જેની વચ્ચે યશવંત રોલાએ કાજુની ખેતી કરીને ગીરમાં કેરીની સામે કાજુ નુ ઉત્પાદન મેળવીને વાહ વાહી પણ મેળવી રહ્યા છે.