- ગીર સોમનાથના માછીમારોને થયું 50 કરોડનું નુકસાન
- તૌકતે વાવાઝોડાના કારણે માછીમારોની બોટનું થયું નુકસાન
- ગાંધીનગરમાં માછીમાર અગ્રણીઓ સાથે રાજ્યપ્રધાનની યોજાઈ બેઠક
- બેઠકમાં માછીમારોએ યોગ્ય વળતર આપવા કરી માગ
ગીર સોમનાથઃ તૌકતે વાવાઝોડાથી ગુજરાતના દરિયાખેડુ-માછીમારોની આશરે 1 હજાર જેટલી ફિશીંગ બોટમાં નુકસાન થયું હતું, જે પૈકી 100 જેટલી બોટ તો સંપૂર્ણ નાશ પામી છે. આ વાવાઝોડાથી માછીમારોને 50 કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું છે. તો આ નુકસાનના વળતર માટે માછીમારોએ માગ કરી હતી. અખિલ ભારતીય ફિશરમેન એસોસિએશને ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં સરકાર પાસે વળતરની માગ કરી હતી.
આ પણ વાંચો- પોતાના જીવ સમાન 25 લાખની બોટ મુકવા રાજી નહોતો માછીમાર : જૂઓ મધદરીએ LIVE દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
રાજયપ્રધાન જવાહર ચાવડા સાથે બેઠક યોજી કરાઈ ચર્ચા
આ અંગે અખિલ ભારતીય ફિશરમેન એસોસિએશન ગુજરાત પ્રાન્તના અધ્યક્ષ તુલસી ગોહેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં રાજયપ્રધાન જવાહર ચાવડા સાથે બેઠક યોજાઈ હતી. આ સાથે જ ફિશરીઝ વિભાગ દ્વારા કરાયેલા સરવેમાં અધૂરી કાર્યવાહી રહી હોય તો તે સુધારવા માછીમાર અગ્રણીઓની એક બેઠક યોજાઈ હતી, જેમાં રાજયના મત્સ્યોદ્યોગના સચિવ નલીન ઉપાધ્યાય, ફિશરીઝ કમિશનર દેસાઈ, ભાજપના બક્ષિપંચ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વેલજી મસાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની શરૂઆતમાં જાફરાબાદ, સૈયદ રાજપરા, સીમર, નવાબંદર સહિતના બંદરે તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનની વિગતવાર રજૂઆત જાફરાબાદના માછીમારોના અગ્રણીઓએ કરી હતી.
આ પણ વાંચો- તૌકતેના કારણે થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થતા મુખ્યપ્રધાન રૂપાણીની કૃષિ વિજ્ઞાનિકો સાથે બેઠક
સરકાર માછીમારોને પગભર થવા નિર્ણય લે તેવી માગ
પ્રધાને રાજ્યના માછીમારોને થયેલા નુકસાન બાબતે સકારાત્મક વલણ દર્શાવીને જણાવ્યું હતું કે, આ વખતે વાવાઝોડામાં થયેલા નુકસાન બાબતે સરકાર ખૂબ જ માયાળુ વલણ અપનાવી માછીમારોની રોજગારી માટે ફરીથી પગભર કરવા માટે ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહેલા હોવાનું જણાવ્યું હતું.
100 ફિશિંગ બોટ સંપૂર્ણ નાશ પામી હતી
અખિલ ભારતીય ફિશરમેન એસોસિએશન ગુજરાત પ્રાન્તના અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, માછીમારોની આશરે 1,000 જેટલી ફિશીંગ બોટને નુકસાન થયું હતું, જે પૈકી 100 જેટલી ફિશિંગ બોટ સંપૂર્ણ નાશ પામી હતી, જેની અંદાજે કિંમત 40 કરોડ રૂપિયા હતી. જ્યારે અન્ય 900 બોટમાં પણ નુકસાન થયું હતું, જેની કિંમત 10 કરોડ રૂપિયા હતી. આમ, માછીમારોને 50 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, જેનું વળતર આપવામાં આવે.
બ્રેક વોટર ઝડપથી રિપેર કરવા માછીમારોની માગ
રાજય સરકાર દ્વારા અનેક નવા બંદરો બનાવવાની જાહેરાતો વર્ષોથી કરવામાં આવેલી છે, જે મુજબ, સરકાર દ્વારા બંદરોનો વિકાસ કરવામાં આવ્યો હોય તો વાવાઝોડાથી માછીમારોની થયેલા નુકસાનથી બચાવી શકાયા હોત, પરંતુ હવે જાગ્યા ત્યારથી સવાર સમજી માછીમારોને થયેલા નુકસાનના વળતર સાથે સરકાર દ્વારા બંદરોના વિકાસના અટકેલા કામો પણ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા 4થી 5 વર્ષમાં અનેક વાવાઝોડા આવવાથી ગુજરાતના બંદરો ઉપર આવેલા વા બ્રેક વોટર ખૂબ જ જર્જરિત થયા છે અને આ તૌકતે વાવાઝોડાથી ઘણા બ્રેક વોટરો તૂટી ગયા છે, જેને વહેલી તકે રિપેર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આવનારા વાવાઝોડામાં આનાથી વધુ નુકસાન થવાનો સંભવ વ્યકત કર્યો હતો.
ગયા વર્ષનું વળતર પણ નથી મળ્યું
માંગરોળના અગ્રણી જમનાદાસ વંદુર, મહાવીર મંડળીના પ્રમુખ દામોદરભાઈ દ્વારા માછીમારોને બેન્કો દ્વારા લોન સરળતાથી મળે અને કેસીસી મુદ્રા લોન આપવા માટે બેન્કોને રાજ્ય સરકાર દ્વારા ભલામણ કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું. આગામી નવી સિઝનમાં ડિઝલ, કેરોસીનના ઉંચા ભાવોના કારણે 30થી 35 ટકા ગુજરાતની ફિશિંગ બોટો ચાલુ જ નહીં થઈ શકે તેવી ભીતિ હોવાનું જણાવાયું હતું. આ સાથે તેનાથી આશરે 40,000 માછીમારોની બેરોજગારીનો પ્રશ્નો ઉદભવ થશે. વેરાવળના નાના પીલાણા માછીમાર એસોસિએશનના પ્રમુખ ચુનીભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, ગયા વર્ષે હોડીઓને થયેલા નુકસાનનું પણ વળતર નથી મળ્યું.