ગીર સોમનાથ : ગઈ કાલે સોમવારે વેરાવળ પોલીસે જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમા વિરુદ્ધ ડો. અતુલ ચગ આત્મહત્યા કેસમાં વિધિવત ફરિયાદ દાખલ કરી છે. ત્યારે આજે ચગ પરિવાર દ્વારા સાંસદ રાજેશ ચૂડાસમાને ગેરલાયક ઠેરવવાની માંગ કરીને સમગ્ર મામલામાં નિષ્પક્ષ તપાસ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે.
પોલીસ ફરિયાદ દાખલ થઈ છે : 12 ફેબ્રુઆરી 2023ના દિવસે વેરાવળના ખ્યાતનામ ડોક્ટર અતુલ ચગે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી. ત્યારે લાંબા સમય બાદ ગઈકાલે સોમવારે વેરાવળ પોલીસે ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં દુષ્પ્રેરણા આપવા બદલ જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમા અને તેના પિતા નારણભાઈ ચૂડાસમાને આરોપી તરીકે દર્શાવીને વિધિવત ફરિયાદ દાખલ કરી છે. જેને લઈને આજે ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે આરોપી તરીકે દર્શાવાયેલા સાંસદ રાજેશ ચૂડાસમાને સાંસદ પદેથી ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે.
ન્યાયિક તપાસ માટે પાત્રતા રદ જરૂરી : ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે સમગ્ર મામલામાં 90 દિવસ બાદ આખરે વેરાવળ પોલીસે રાજેશ ચૂડાસમા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે ત્યારે સમગ્ર મામલામાં ન્યાયિક અને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર પોલીસ તપાસ થઈ શકે તેવી માંગ કરી છે.
સમગ્ર કેસમાં ન્યાયિક અને પક્ષપાત પૂર્ણ તપાસ થાય તે માટે સાંસદને ગેરલાયક ઠેરવવા ખૂબ જ જરૂરી છે સત્તા પર રહીને સાંસદ રાજેશ ચૂડાસમા તમામ તપાસને વિચલિત કરી શકે છે. આવી પરિસ્થિતિમાં સૌપ્રથમ તેમને સભ્ય પદેથી ગેરલાયક ઠેરવ્યા બાદ તમામ તપાસ શરૂ કરવી જોઈએ તેવી માંગ કરી છે. હિતાર્થ ચગ (ડોક્ટર અતુલ ચગના પુત્ર)
પોલીસને તમામ પુરાવાઓ આપ્યાં : ડોક્ટર અતુલ ચગે 12 ફેબ્રુઆરી 2023 ના દિવસે તેમની હોસ્પિટલમાં આવેલા નિવાસસ્થાને ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. ત્યાંથી મળેલી નોંધ સહિત અન્ય કેટલાક દસ્તાવેજો પરિવાર દ્વારા પોલીસને સોંપવામાં આવ્યા છે. આ તમામને પુરાવા તરીકે ગણીને પોલીસ રાજેશ ચૂડાસમા સામે કાર્યવાહી કરે તેવી પણ ચગ પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલામાં સાંસદ દ્વારા કોઈ પણ પ્રકારનો સંપર્ક ચગ પરિવાર સાથે કરવામાં આવ્યો નથી.
એફઆઈઆર નોંધી તેને આવકાર : વધુમાં હિતાર્થ ચગે એ વાત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે જો માત્ર પૈસા ખાતર અમે રાજેશ ચૂડાસમાને આરોપી તરીકે દર્શાવવા માંગતા હોત તો માત્ર એકથી બે કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કે જે તેમના મૃતક પિતા અતુલ ચગ દ્વારા રાજેશ ચૂડાસમાનેે આપવામાં આવ્યા હતા તેની જગ્યા પર અમે પાંચ પચ્ચીસ કરોડ રૂપિયાનો દાવો પણ કરી શક્યા હોત. પરંતુ હકીકત મુજબની જે ઘટના છે તેને લઈને જ સાંસદ રાજેશ ચૂડાસમા વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી છે. પોલીસે 90 દિવસ બાદ એફઆઈઆર નોંધી છે તેને પણ પરિવારે આવકારદાયક માની છે.