ગીર સોમનાથઃ સોમનાથથી ત્રીવેણી સંગમ પર જંગલ વિસ્તાર આવેલો છે તો પ્રભાસતીર્થ પૌરાણીકતા સાથે જોડાયેલો છે. ઈસવીસન ત્રીજી અને ચોથી સદીની અતિપ્રાચીન બૌદ્ધ ગુફાઓ અહી આવેલી છે. આ ગુફાઓ પહાડને કોતરી તેમાં બનાવાયેલ જણાય છે. અહી બન્ને ગુફાઓની અંદર ચાર ચાર પીલર પણ કોતરાયેલાં છે. તો પાછળના ભાગે બન્ને ગુફાઓ વચ્ચે રસ્તો પણ કોતરાયો છે. અહી હાલ ગાઢ અંધકાર વચ્ચે ચામાચીડિયાઓએ ઘર બનાવ્યું છે. ત્યારે રાજ્યના ટુરિઝમ વિભાગે 65 લાખની રકમ સોમનાથ ટ્રસ્ટને આ જગ્યાના વિકાસ માટે ફાળવતાં ટ્રસ્ટે આ ગુફાઓને સુવિધા સાથે દર્શનીય સ્થળ બનાવવાનો પ્રારંભ કર્યો છે.
અહી બે ડુંગરો સહિત તમામ જગ્યાને ફરતી સુરક્ષા કમ્પાઊન્ડ વોલ બનાવાય છે. સાથે કાફે કેન્ટીન સાથે ફેસેલિટી ઊપરાંત આ ગુફાઓની સફાઈ કરાશે અને સોમનાથમાં આવનારા યાત્રિકોને તીર્થસ્થાન સાથે પ્રાચીનતાના પણ દર્શન થાય તેવો પ્રયાસ સરકારના ટુરિઝમ વિભાગ અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી કરાઇ રહ્યો છે.