- સોમનાથ મંદિરનો વીડિયો બનાવનારા યુવકની ધરપકડ
- મૌલાનાને ગુજરાતના પાણીપતમાં કુતની રોડ મદરેસાથી ઝડપી લીધો
- સોમનાથ મંદિરને Z+ સુરક્ષા છતાં વીડિયો વાયરલ થતાં અનેક સવાલ
ગીર સોમનાથઃ હાલના દિવસોમાં ગુજરાતમાં સોમનાથ મંદિર અંગે ટિપ્પણી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક શખ્સ દ્વારા આપવામાં આવી રહેલા ભડકાઉ નિવેદન પ્રત્યે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ હરકતમાં આવી છે અને તપાસ શરૂ કરી હતી. સોશિયલ મિડીયામાં 3 મિનિટ અને 24 સેકન્ડના વાઈરલ થયેલા આ વીડિયો સોમનાથ મંદિરની પાછળના ભાગે અડધા કિ.મી. દૂર મરીન પોલીસ ચોકીની સામેના દરિયા કિનારે ભિડીયા વિસ્તારમાં રેકોર્ડ થયા હોવાનું અનુમાન છે. જેમાં એક શખ્સ જોવા મળી રહ્યો છે. જેની ઓળખ ઈર્શાદ રશીદ તરીકે થઈ છે. ઈર્શાદ “જમાત-એ-આદિલા હિન્દ” નામે યુ-ટ્યૂબ ચેનલ ચલાવે છે. ઈર્શાદે સેલ્ફી મોડમાં એક વીડિયો શૂટ કર્યો હતો.
આરોપી ઇર્ષાદનું લોકેશન હરીયાણાના પાણીપતમાં મળ્યું
આ મામલે વિધર્મી યુવક ઇર્ષાદને ઝડપી લેવા ગીર સોમનાથ પોલીસની સ્પેશિયલ સહિતની જુદી-જુદી ટીમોએ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન આરોપી ઇર્ષાદનું લોકેશન હરીયાણાના પાણીપતમાં મળ્યું હતુ. જેથી જિલ્લા પોલીસની એક ખાસ ટીમ પાણીપત પહોંચી હતી આજ રોજ આરોપી ઇર્ષાદ રસીદને ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ આરોપીને અત્રે સોમનાથ લઇ આવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ પકડવા આવી રહી હોવાની ભનક લાગતા આરોપી નાસી જવાની ફિરાકમાં હતો
આરોપી ઇર્ષાદ રસીદને પકડવા ગીર સોમનાથ પોલીસની ખાસ ટીમ હરિયાણાના પાણીપત પહોંચી રહી હોવાની ભનક લાગી ગઇ હોવાથી આરોપીએ પોતાનો મોબાઇલ બંધ કરી પોતાના કાયમી વસવાટનું સ્થળ છોડી ભાગી ગયો હતો. જો કે, ગીર સોમનાથ પોલીસે શોધખોળ હાથ ધરી હતી અને સવારે 5 વાગ્યે પાણીપત શહેરથી થોડે દૂરથી આરોપી ઇર્ષાદ રસીદને ઝડપી લીધો હતો. હાલ તેને લઇ પોલીસની ખાસ ટીમ ગુજરાત લાવવા રવાના થઇ હોવાનું અધિકારીક સુત્રોમાંથી જાણવા મળ્યું હતુ.